સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં ભારે વરસાદ બાદ ફરી જળબંબાકાર, ડ્રેનેજ વ્યવસ્થા અંગે સવાલો

અમદાવાદમાં ભારે વરસાદ બાદ ફરી જળબંબાકાર, ડ્રેનેજ વ્યવસ્થા અંગે સવાલો

અમદાવાદ: લાંબા સમય બાદ શહેરમાં ભારે વરસાદ વરસ્યો છે. સવારથી શરૂ થયેલા વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી એક વખત પાણી ભરાઈ જતાં તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી અને વરસાદી પાણીના નિકાલના આયોજન સામે સવાલો ઊભા થયા છે.

પશ્ચિમ અમદાવાદના બોપલ-ઘુમા, આનંદનગર, પ્રહલાદનગર, એસજી હાઈવે અને એસ.પી. રિંગ રોડ સહિતના વિસ્તારોમાં સવારથી જ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના અનેક મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

પૂર્વ અમદાવાદમાં પણ સ્થિતિ ગંભીર બની હતી. નિકોલ, નારોલ, જશોદાનગર અને મણિનગર સહિતના વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી હતી. આ સ્થિતિ વચ્ચે કોઈ મોટી જાનહાનિ ન થઈ તે રાહતની વાત છે.

દર વર્ષે વરસાદ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે. તેમ છતાં વરસાદી પાણીના કાયમી નિકાલ માટે નક્કર આયોજન કેમ થતું નથી તે સવાલ ફરી ઊભો થયો છે. આશરે 45 દિવસ પહેલા અમદાવાદમાં ભારે વરસાદ થયો હતો. તે સમયે આગામી દિવસોમાં કુદરતી આફત સામે કેવી રીતે લડી શકાય તે માટે માસ્ટર પ્લાન બનાવવાની વાતો નેતાઓ અને મનપાના અધિકારીઓએ કરી હતી. જોકે ફરી વરસાદ પડતાં જૂની સ્થિતિનું પુનરાવર્તન થતાં આ દાવાઓ પોકળ સાબિત થયા છે.

અગાઉ ભારે વરસાદ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મતવિસ્તાર બોપલ-ઘુમાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને અધિકારીઓને ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે યોગ્ય આયોજન કરવાની કડક સૂચના આપી હતી. પરંતુ આજે ફરી બોપલ-ઘુમા સહિતના વિસ્તારોમાં પાણી ભરાતાં સૂચનાના અમલ અંગે સવાલો ઊભા થયા છે.

અમદાવાદમાં સતત વધી રહેલા બાંધકામો અને આડેધડ શહેરીકરણને કારણે વરસાદી પાણીના કુદરતી નિકાલના માર્ગો પ્રભાવિત થયા છે. બાંધકામને મંજૂરી આપતી વખતે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને શહેરની ડ્રેનેજ ક્ષમતાને પૂરતું મહત્વ આપવામાં આવે છે કે નહીં તે અંગે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

શહેરને ખરેખર સ્માર્ટ અને આધુનિક બનાવવું હોય તો માત્ર રસ્તા અને બિલ્ડિંગો નહીં પરંતુ વરસાદી પાણીના નિકાલનું મજબૂત અને લાંબા ગાળાનું આયોજન પણ એટલું જ જરૂરી છે. દર વર્ષે વરસાદ દરમિયાન સર્જાતી આ પરિસ્થિતિને જોતા શહેરના ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર નેટવર્ક અંગે ગંભીરતાથી વિચાર કરવાની જરૂરિયાત ફરી સામે આવી છે.