અમદાવાદ શહેરમાં શુક્રવારે વહેલી સવારથી વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત બે કલાક સુધી પડેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન પ્રભાવિત થયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સરખેજમાં સવા 4 ઇંચ, નવરંગપુરામાં પોણા 4 ઇંચ, વાસણામાં સવા 3 ઇંચ, ગોતામાં પોણા 3 ઇંચ, ચાંદખેડામાં 2 ઇંચ, ઉસ્માનપુરમાં સવા 2 ઇંચ, સાયન્સ સિટીમાં 2 ઇંચ, થલતેજમાં 2 ઇંચ અને ઓગણજમાં સવા 2 ઇંચ વરસાદ પડ્યો હતો.
વરસાદના કારણે વાસણા બેરેજમાં પાણીનું સ્તર વધતાં તેના 14 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. બેરેજમાંથી 17 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, શહેરના 5 અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે, જેમાં અખબારનગર અંડરપાસનો સમાવેશ થાય છે.
એસ જી હાઈવે સહિતના અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. વસ્ત્રાપુર, માનસી ચાર રસ્તા, પકવાન ચાર રસ્તા, કર્ણાવતી ક્લબ રોડ, હાટકેશ્વર, ખોખરા, અમરાઈવાડી અને મણિનગર વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. હાટકેશ્વર સર્કલ પાણી ભરાતાં તળાવ જેવું દેખાતું હતું.
ભારે વરસાદને કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનવ્યવહારને વ્યાપક અસર થઈ હતી. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે પાણીના નિકાલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કર્મચારીઓ સ્થળ પર દેખાયા ન હતા.
શહેરમાં વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને રજા અંગે નિર્ણય લેવા સૂચના આપી છે. કેટલીક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. હવામાન વિભાગે 20 તારીખ સુધી વરસાદની આગાહી કરી છે.