અમદાવાદમાં આજે સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. શહેરના સાઉથ બોપલ, શેલા, બોપલ, એસજી હાઇવે, પ્રહલાદ નગર, સરખેજ સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ નોંધાયો છે. આકાશમાં ઘનઘોર કાળા વાદળાં છવાયા છે, જેના કારણે દૃશ્યતા (વિઝિબિલિટી) ઘટી ગઈ છે. આથી વાહનચાલકો અને શાળાએ જતાં બાળકોને મુશ્કેલી પડી રહી છે.
આજે સતત બીજા દિવસે સવારથી વરસાદ શરૂ થયો છે. એસજી હાઈવે, પ્રહલાદનગર, શ્યામલ, આનંદનગર, સોલા, સાયન્સ સિટી, બોપલ, શેલા અને શીલજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટ્રફની અસરને કારણે આકાશમાં કાળા વાદળાં છવાયા છે અને પવન સાથે મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે (ગુરુવારે) બપોર બાદ પણ શહેરમાં જોરદાર ઝાપટાં પડ્યાં હતાં, જેમાં કેટલાક વિસ્તારોમાં એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.
વરસાદ શરૂ થતાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં સિઝનનો અંદાજે 87 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું છે. સવારે 10 વાગ્યા સુધી રાજ્યના ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જેમાં મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ અને દાહોદનો સમાવેશ થાય છે.
સવારે 10 વાગ્યા સુધી 17 જિલ્લા અને ત્રણ સંઘપ્રદેશમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ છે. ઉપરાંત, સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે.