અમદાવાદ શહેરમાં હવામાનમાં અચાનક પલટો આવતાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ શરૂ થયો છે. શહેરના પશ્ચિમ અને પૂર્વ, બંને વિસ્તારોમાં ભારે વરસાદ પડતાં અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. પ્રહલાદનગર, શ્યામલ, પકવાન ચાર રસ્તા, ઈસ્કોન, જોધપુર ચાર રસ્તા અને શિવરંજની જેવા વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. સી.જી. રોડ, ઈન્કમટેક્સ, શાહપુર, સાબરમતી રિવરફ્રન્ટ રોડ અને ઉસ્માનપુરા સહિતના વિસ્તારોમાં પણ જોરદાર વરસાદ નોંધાયો છે. આના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હવામાન વિભાગના તાજા બુલેટિન મુજબ, અમદાવાદ શહેરમાં સાંજે 6 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, ભરૂચ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, જામનગર અને પોરબંદર એમ 19 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા જોતાં યલો એલર્ટ જાહેર કરાયું છે. તાજેતરના આંકડા મુજબ દમણમાં 64 મિમી, ખેડામાં 61 મિમી અને અમરેલીમાં 30 મિમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
હાલ ગુજરાત પર એક સાથે બે વરસાદી સિસ્ટમ – લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન – સક્રિય થયેલી છે. આ સિસ્ટમના પ્રભાવ હેઠળ હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ વરસી શકે છે, જ્યારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.
ચોમાસાની વિદાય અંગે પણ હવામાન વિભાગે મહત્વની વિગતો આપી છે. પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાંથી નૈઋત્યના ચોમાસાએ સત્તાવાર વિદાય લઈ લીધી છે. આગામી 2 થી 4 દિવસમાં ગુજરાતમાંથી પણ ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થશે. સૌપ્રથમ કચ્છ અને સૌરાષ્ટ્રના સરહદી વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લેશે. આ વર્ષે ચોમાસાની એકંદર સિઝન પર નજર કરીએ તો રાજ્યમાં સામાન્ય કરતાં 8 ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છ-સૌરાષ્ટ્ર પંથકમાં સિઝનનો 22 ટકા ઓછો વરસાદ રહ્યો છે. જોકે, સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં 35 ટકા વધુ વરસાદ નોંધાતા ખેડૂતોને પાક માટે મોટી રાહત મળી છે.