સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં ધોધમાર વરસાદ: મીઠાખળી અંડરપાસ બંધ, આગામી 3 કલાક રેડ એલર્ટ

અમદાવાદમાં ધોધમાર વરસાદ: મીઠાખળી અંડરપાસ બંધ, આગામી 3 કલાક રેડ એલર્ટ

અમદાવાદમાં આજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. કાળા વાદળો છવાઈ જવાને કારણે શહેરમાં અંધારું થઈ ગયું હતું અને દૃશ્યતા ઘટી ગઈ હતી. હવામાન વિભાગે બપોરે 1 વાગ્યા સુધી આગામી ત્રણ કલાક માટે અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

શહેરના પશ્ચિમ ભાગમાં હેલ્મેટ સર્કલ, ગુરુકુળ રોડ, ગુજરાત યુનિવર્સિટી, વિજય ચાર રસ્તા, અંધજન મંડળ, સેટેલાઈટ, શિવરંજની, વેજલપુર, જોધપુર, પ્રહલાદ નગર અને ઈસ્કોન વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. એસ.જી. હાઈવે પર અંધારું છવાઈ જવાને કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી હતી અને નોકરી-ધંધે જતા લોકો અટવાઈ ગયા હતા.

પૂર્વ અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. વસ્ત્રાલ, હાથીજણ, ઓઢવ, નિકોલ, ઈસનપુર, મણિનગર, નારોલ અને વટવામાં વરસાદ પડ્યો હતો. નરોડા પાટિયા, નરોડા ગામ અને કુબેરનગર ITI વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાર્વત્રિક વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાબરમતી નદીનું જળસ્તર 129 ફૂટ રાખવામાં આવ્યું છે. નદીમાં પાણીનું સ્તર નિયંત્રિત કરવા માટે વાસણા બેરેજના ત્રણ દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. વરસાદને કારણે મીઠાખળી અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.