સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં ભારે વરસાદ: શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, જનજીવન પ્રભાવિત

અમદાવાદમાં ભારે વરસાદ: શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, જનજીવન પ્રભાવિત

અમદાવાદમાં ભારે વરસાદને કારણે શહેરના લગભગ તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. મહાનગરપાલિકાની પ્રિ-મોનસૂન કામગીરી ફરી એકવાર નિષ્ફળ સાબિત થઈ છે.

સિંધુભવન રોડ, બોપલ, આંબલી, ઘુમા, શીલજ, ક્લબ ઓ સેવન, રામદેવનગર, વેજલપુર, નાના ચિલોડા, દાસ્તાન સર્કલ, નિકોલ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર ઘુંટણસમું પાણી ભરાયું છે. સોસાયટીઓમાં પણ પાણી ઘુસી જતાં રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પોશ વિસ્તારોની હાલત સૌથી ખરાબ છે. કેટલાક વિસ્તારોમાં તો ટેમ્પો કે ટ્રેક્ટરની મદદથી જ અવરજવર શક્ય બની છે. સિંધુ ભવન રોડ પર વાહનો અડધા ડૂબી જાય તેટલું પાણી ભરાયું છે.

ભારે વરસાદને પગલે મીઠાખળી અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે. શીલજ-થલતેજ રોડ અને વેજલપુરના સોનલ સિનેમા રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયા છે. પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતા અનેક વાહનચાલકો અટવાઈ ગયા હતા. લોકો પોતાના વાહનોને ધક્કા મારતા જોવા મળ્યા.

રસ્તાઓ, દુકાનો અને સોસાયટીઓમાં વરસાદી પાણી ઘુસી જતાં શહેરીજનોને આર્થિક નુકસાન પણ સહન કરવું પડ્યું છે.

ભારે વરસાદને કારણે વાસણા બેરેજના સાત દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. કર્ણાવી ક્લબથી ઈસ્કોન ચાર રસ્તા સુધીનો આખો માર્ગ પાણીમાં ગરકાવ થતાં સર્વિસ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. રસ્તા પર પાણી ભરાતાં એમ્બ્યુલન્સ, પોલીસ વાન અને સરકારી બસો પણ ફસાઈ ગઈ હતી.

બીજી તરફ, એએમટીએસના વહીવટ સામે ભાજપના ધારાસભ્ય અમિત શાહે આક્રોશ ઠાલવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે બસના કોન્ટ્રાક્ટર પોતાનું ભલું જુએ છે, જ્યારે આવા સમયે લોકોને જાહેર પરિવહનની વધુ જરૂર હોય છે. માત્ર અડધા ફૂટ પાણીમાં બસ ચલાવવાની મનાઈને લઈને ધારાસભ્ય અકળાયા હતા.

જળબંબાકાર વચ્ચે પોલીસકર્મીઓ લોકોની મદદે પણ ઉતર્યા હતા. ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અધિકારીઓએ ખુદ રસ્તા પર ઉતરીને હાટકેશ્વર સર્કલ સહિતના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકનું સંચાલન કર્યું હતું.