અમદાવાદના રામોલ-હાથીજણ વિસ્તારમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરની હાલત અત્યંત ખરાબ હોવાનું સામે આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ મહામંત્રીએ આ હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી હતી, જે દરમિયાન ત્યાં શૌચાલયમાં ભારે ગંદકી અને દારૂની બોટલો મળી આવી હતી. આરોગ્ય સેવાઓ પૂરી પાડતા કેન્દ્રમાં આવી હાલત સામે આવતાં તંત્રની સફાઈ અને દેખરેખ સામે સવાલો ઊભા થયા છે.
હેલ્થ સેન્ટરમાં નાગરિકો માટે પીવાના પાણી માટે લગાવેલા મશીનો પણ બિનઉપયોગી હાલતમાં હોવાનું જણાયું છે, જ્યારે બિલ્ડિંગની પણ સમયસર જાળવણી કરવામાં આવતી ન હોવાથી તે જર્જરિત બની ગઈ છે.
કોર્પોરેશનનું અંદાજે 18,000 કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ હોવા છતાં પોતાના જ આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છ શૌચાલય, પીવાનું પાણી અને યોગ્ય બિલ્ડિંગ જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. કોંગ્રેસે આગામી સમયમાં અન્ય અર્બન હેલ્થ સેન્ટરોની તપાસ કરવાની જાહેરાત કરી છે.