સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ જિમ લોન્જમાં 1.66 કરોડની ઠગાઈ: બે કર્મચારીઓએ માલિકને અંધારામાં રાખી છેતરપિંડી કરી

અમદાવાદ જિમ લોન્જમાં 1.66 કરોડની ઠગાઈ: બે કર્મચારીઓએ માલિકને અંધારામાં રાખી છેતરપિંડી કરી

અમદાવાદની જાણીતી જિમ લોન્જના માલિક વિજય સેંગર સાથે તેમના જ બે કર્મચારીઓએ 1.66 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હોવાનો મામલો સામે આવ્યો છે. આરોપીઓમાં સેન્ટર હેડ જૈનિશ શુક્લા અને બ્રાન્ચ મેનેજર મનીષ શર્માનો સમાવેશ થાય છે. બંનેએ માલિકની ગેરહાજરીનો લાભ ઉઠાવીને ગેરકાયદેસર રીતે મેમ્બરશિપ આપી અને પૈસા પોતાના ખિસ્સામાં સરકાવ્યા. આ મામલે ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા (EOW)માં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના સુઘડ ખાતે રહેતા અને જિમ લોન્જના નામે અનેક બ્રાન્ચ ચલાવતા વિજય સેંગરે જિમના 10 વર્ષ પૂરા થવાના અવસરે પહેલીથી 10મી જુલાઈ દરમિયાન એક સ્કીમ લોન્ચ કરી હતી, જેમાં 10,000 રૂપિયામાં 10 વર્ષ માટેની મેમ્બરશિપ અપાતી હતી. આ ઓફરની મુદત પૂરી થયા બાદ વિજય પોતાના નવા પ્રોજેક્ટના કામથી બે મહિના માટે બહારગામ ગયા હતા. આ દરમિયાન જિમનો સંપૂર્ણ વહીવટ જૈનિશ શુક્લા અને મનીષ શર્માને સોંપવામાં આવ્યો હતો. તેમણે માલિકની જાણ બહાર આ બંધ થયેલી ઓફરને ગેરકાયદે રીતે ચાલુ જ રાખી હતી.

વિજયભાઈ જ્યારે 10મી સપ્ટેમ્બરે પરત ફર્યા ત્યારે તેમણે જોયું કે જિમમાં એવા ઘણા લોકો કસરત કરવા આવતા હતા જેમનું રજીસ્ટ્રેશન કાયદેસરની સ્કીમમાં નહોતું. જોકે, આ ગ્રાહકો પાસે ફી ભર્યાની પહોંચ હતી, પરંતુ જિમના ખાતામાં તે રકમ જમા થઈ ન હતી. માલિકે તપાસ કરતા ખુલ્યું કે જૈનિશ અને મનીષે અન્ય સ્ટાફને પણ ગેરમાર્ગે દોર્યો હતો. મેનીષે એજન્ટ તરીકે ગ્રાહકોનો સંપર્ક કરીને તેમને સ્કીમ સમજાવીને રોકડા તથા UPIથી રૂપિયા પડાવીને મેમ્બરશિપ વહેંચી દીધી હતી.

ગ્રાહકોનો વિશ્વાસ જીતવા માટે જૈનિશે પોતાની પત્ની ભારતી શુક્લા સાથે મળીને પોતે જિમમાં ભાગીદાર હોવાનો એક બોગસ એગ્રીમેન્ટ પણ તૈયાર કરાવ્યો હતો. આ નકલી દસ્તાવેજના આધારે તેઓએ જિમ લોન્જને મળતા આવતા નામથી એક બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ જ એકાઉન્ટમાં રોકડ અને UPI દ્વારા ત્રણેય આરોપીઓએ ભેગા મળીને કેટલાય ગ્રાહકો પાસેથી ઉઘરાવેલા 1.66 કરોડ રૂપિયા સગેવગે કર્યા હતા. હાલમાં પોલીસ દ્વારા વિજય સેંગરની ફરિયાદના આધારે કૌભાંડીઓ સામે કડક તપાસ હાથ ધરવામાં આવી છે.