અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી સરકારી ગર્લ્સ પોલિટેકનિકની જર્જરિત ઇમારતોના સ્થાને નવી ગ્રીન બિલ્ડિંગ બની રહી છે. આ બિલ્ડિંગની ખાસ વાત એ છે કે તેના નિર્માણમાં એક પણ વૃક્ષ કાપવું પડ્યું નથી.
સંસ્થાના આચાર્ય ભાસ્કર અય્યર પોતે ક્વોલિફાઇ આર્કિટેક્ટ છે. જ્યારે R&B વિભાગે તૈયાર કરેલી ડિઝાઇનમાં 28 જેટલા ઘટાદાર વૃક્ષો કાપવા પડે તેવી શક્યતા હતી, ત્યારે તેમણે નવી ડિઝાઇન તૈયાર કરીને R&B અને સરકારને રજૂ કરી. સરકારે આ ડિઝાઇન મંજૂર કરી હતી.
આ પહેલી વખત બન્યું છે કે કોઈ કોલેજના આચાર્યએ પોતાની સંસ્થાની બિલ્ડિંગની ડિઝાઇન જાતે તૈયાર કરી હોય. ભાસ્કર અય્યરે જણાવ્યું કે, 40થી 50 વર્ષ જૂના વૃક્ષો કાપવાનું ટાળવા માટે ડિઝાઇનમાં ફેરફાર કરાયો છે. બીલી, આંબાનું, જાંબુનું સહિતનાં વૃક્ષો બચાવવા પર ધ્યાન આપવામાં આવ્યું છે.
સરકારી બિલ્ડિંગ સામાન્ય રીતે ચોરસ કે લંબચોરસ આકારમાં બનતી હોય છે, પરંતુ અહીં દરેક વૃક્ષના સ્થાન પ્રમાણે બિલ્ડિંગની દીવાલોમાં ખાંચા બનાવવામાં આવ્યા છે. જેથી કોઈ પણ વૃક્ષ કાપવું પડ્યું નથી. આ બિલ્ડિંગ ગ્રાઉન્ડ પ્લસ ટુ માળની છે, જેમાં વર્ગખંડો, લેબોરેટરી અને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.
નવી બિલ્ડિંગમાં પોળના જૂના મકાનોની જેમ કોર્ટયાર્ડ રાખવામાં આવ્યો છે. કોર્ટયાર્ડ એટલે પોળના મકાનો વચ્ચેનો ખુલ્લો ચોક કે આંગણું. આનાથી બિલ્ડિંગની અંદરની ગરમ હવા બહાર નીકળી જાય છે અને વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ માટે પણ જગ્યા મળે છે.
આ ગ્રીન ડિઝાઇનથી 8 બ્રાન્ચના 2,000થી વધુ વિદ્યાર્થીઓ અને 100થી વધુ સ્ટાફને કુદરતી હવા-ઉજાસ, વીજળીની બચત અને આધુનિક સુવિધાઓ મળશે. સાથે જ વૃક્ષોની છાયા અને ઓક્સિજન પણ જળવાઈ રહેશે. આ પ્રોજેક્ટનો ખર્ચ રૂ.26.9 કરોડથી વધુ છે.
શહેરમાં વિકાસ સાથે પર્યાવરણનું જતન કેવી રીતે થઈ શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.