સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં વલ્લભધામ હવેલી ખાતે ગોવર્ધન પૂજા અને ગૌ પૂજન સાથે ભક્તિમય માહોલ

અમદાવાદમાં વલ્લભધામ હવેલી ખાતે ગોવર્ધન પૂજા અને ગૌ પૂજન સાથે ભક્તિમય માહોલ

અમદાવાદ: દિવાળી બાદ છઠના પવિત્ર દિવસે મણિનગર વિસ્તારમાં આવેલી પ્રાચીન 'વલ્લભધામ હવેલી' ખાતે ભવ્ય ગોવર્ધન પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ ભાગ લીધો હતો અને ગોવર્ધન પર્વતની શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા કરી હતી.

ઉત્સવ નિમિત્તે હવેલી પરિસરમાં પ્રતીકાત્મક રીતે સુંદર ગોવર્ધન પર્વત તૈયાર કરવામાં આવ્યો હતો, જેની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ગોવર્ધન પૂજા બાદ વિશેષ ગૌ પૂજનનું આયોજન થયું હતું, જેમાં ભક્તોએ ગૌમાતાની પૂજા કરીને ધન્યતા અનુભવી હતી.

આ મહોત્સવમાં વર્ષો જૂની ધાર્મિક પરંપરાના દર્શન પણ થયા હતા. ગૌ પૂજન બાદ શ્રદ્ધાળુઓએ ગાયના ચાર પગ નીચેથી પસાર થઈને આશીર્વાદ મેળવવાની પરંપરા નિભાવી હતી. વૈષ્ણવ સંપ્રદાયમાં આ પરંપરાનું વિશેષ મહત્ત્વ છે, જે સુખ, સમૃદ્ધિ અને આરોગ્યની કામના સાથે નિભાવવામાં આવે છે. સમગ્ર હવેલી પરિસર 'ગિરિરાજ ધરણ કી જય'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.