અમદાવાદના ગોતા વોર્ડમાં સ્મશાનની નજીકનો મુખ્ય રસ્તો અત્યંત બગડી ગયો છે. આ રસ્તા પર પાંચથી છ ફૂટ પહોળા ખાડા પડી ગયા છે અને વરસાદના પાણીથી ભરાઈ ગયા છે. સવારથી સાંજ સુધી આ રસ્તા પર ભારે ટ્રાફિક રહે છે. ખાડાઓના કારણે વાહનચાલકોને રોજ હાડમારી વેઠવી પડે છે. વાહનોને નુકસાન થાય છે અને અકસ્માતનો ભય પણ રહે છે.
માહિતી અનુસાર, અહીં નવો રસ્તો મંજૂર થઈ ગયો છે. થોડા ભાગમાં ડીબીએમ લેવલ સુધીનું કામ પૂરું થયું છે. પરંતુ નવા એસટીપી પમ્પિંગ સ્ટેશનની રાઈઝિંગ લાઈન નંખાતી હોવાથી રસ્તાનું બાકીનું કામ અટક્યું છે. લાઈન નંખાઈ જાય પછી જ કામ આગળ વધશે.
લોકોમાં ઉહાપોહ થાય ત્યારે મ્યુનિસિપાલિટી દ્વારા વેટમિક્સના થીંગડા મારીને ગાડું ગબડાવવામાં આવે છે. ચોમાસું નજીક છે, ત્યારે લોકો પૂછે છે કે કામ ચોમાસા પહેલાં પૂરું કેમ કરાયું નહીં? મ્યુનિસિપાલિટીના ઈજનેરોને આ સ્થિતિનો અંદાજ પહેલાં કેમ ન આવ્યો? ગોતા વોર્ડમાં એસજી હાઈવે અને સાયન્સ સિટી રોડ જેવા વિકસિત વિસ્તારો છે, ત્યારે આ રસ્તાની આ હાલત ચિંતાનો વિષય છે.