અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા એક ગ્રેનાઈટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં આખું ગોડાઉન આગની લપેટમાં આવી ગયું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણમાં આવ્યું નથી.
આગ લાગી હોવાની જાણ થતાં પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જેમને પોલીસે દૂર ખસેડ્યા હતા.
આગ લાગવાના કારણ અને નુકસાનના પ્રમાણ અંગે હજુ સુધી અધિકૃત માહિતી મળી નથી. ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી કરી રહી છે.