સત્ય. સાહસ. સંકલ્પ.

જર્મનીમાં ફસાયેલી અમદાવાદની બાળકી અરિહા: અમિત શાહની ખાતરી, પણ કાનૂની લડત ચાલુ

જર્મનીમાં ફસાયેલી અમદાવાદની બાળકી અરિહા: અમિત શાહની ખાતરી, પણ કાનૂની લડત ચાલુ

અમદાવાદની એક જૈન પરિવારની બાળકી અરિહા જર્મનીમાં ચાઈલ્ડ સર્વિસીસના કબજામાં છે. તે માત્ર 7 મહિનાની હતી ત્યારે તેને માતા-પિતાથી અલગ કરવામાં આવી હતી. હવે તે 5 વર્ષની થઈ છે અને હજી ભારત પાછી નથી આવી.

ભાવેશ શાહ અને ધારા શાહ 2018માં જર્મની ગયા હતા. કોરોનાને કારણે તેઓ ભારત ન આવી શક્યા અને ફેબ્રુઆરી 2021માં જર્મનીમાં જ અરિહાનો જન્મ થયો. અરિહાનો ભારતીય પાસપોર્ટ છે અને પરિવાર થોડા વર્ષોમાં ભારત પાછો આવવાનો હતો.

સપ્ટેમ્બર 2021માં અરિહાને ગુપ્ત ભાગે રક્તસ્રાવ થયો. ડોક્ટરોએ તેને હોર્મોનલ ગણાવ્યો, પણ માતા-પિતાએ ફરી તપાસ કરાવી. હોસ્પિટલમાં ડોક્ટરોની બે ટીમો વચ્ચે મતભેદ થયા. ત્યારબાદ ચાઈલ્ડ સર્વિસીસની ટીમ આવી અને અરિહાને ફોસ્ટર કેરમાં લઈ ગઈ. માતા-પિતાને જણાવ્યા વિના જ બાળકીને લઈ જવામાં આવી.

પરિવારે ગુજરાતી કે હિન્દી દુભાષિયાની માંગ કરી હતી, પણ હોસ્પિટલે ઉર્દૂ-પંજાબી જાણતા પાકિસ્તાની દુભાષિયા આપ્યા, જેનાથી વાતચીતમાં ગેરસમજ થઈ.

આ મામલો હવે રાજકીય સ્તરે ચર્ચામાં છે. 17 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પાલડીમાં જૈનાચાર્ય ઉદયપ્રભ સૂરીશ્વરજી મહારાજના આશીર્વાદ લીધા બાદ અરિહાને ભારત પાછી લાવવાની ખાતરી આપી હતી. પરંતુ જર્મનીના કાયદા અને ચાઈલ્ડ સર્વિસીસના નિર્ણયોને કારણે પરિવારની લડત હજી ચાલુ છે.