અમદાવાદના પીરાણા વિસ્તારમાં ડ્રેનેજ લાઇનમાં ખાબકેલી 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકીને પાંચ દિવસ વીતી ગયા પછી પણ શોધી શકાઈ નથી. અમદાવાદ ફાયર વિભાગની ટીમ સતત શોધખોળ કરી રહી છે, પરંતુ હજુ સુધી બાળકીનો કોઈ પત્તો લાગ્યો નથી.
આ ઘટના વિશાલાથી નારોલ તરફ જતા રોડ પર પીરાણા ચાર રસ્તા પાસેના ડમ્પિંગ સ્ટેશન નજીક બની હતી. બાળકી ડ્રેનેજ લાઇનમાં પડી જતાં તે લાપતા થઈ ગઈ હતી.
દરમિયાન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ ઘટનામાં બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધવાની માંગ કરી છે. પ્રદેશ મહામંત્રી રાજેશ ટી. સોનીએ નારોલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ઇજનેર ખાતા સહિત સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
અરજીમાં જણાવાયું છે કે, આ ગંભીર દુર્ઘટનાને 90 કલાકથી વધુ સમય વીતી ગયો છે, છતાં બાળકીની ભાળ મળી નથી. આટલો સમય વીતી જવા છતાં જવાબદાર વ્યક્તિઓ અને અધિકારીઓ સામે બેદરકારીનો ગુનો કેમ નોંધાયો નથી, તે અંગે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે.
કોંગ્રેસે પોલીસ સમક્ષ પાંચ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. તેમાં બાળકીની શોધખોળ વધુ સઘન બનાવવી, ઘટનાની તાત્કાલિક તપાસ કરીને ભારતીય ન્યાય સંહિતાની લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધવો, તથા કોર્પોરેશનના ઇજનેર ખાતાના અધિકારીઓ અને સ્થળની દેખરેખ માટે જવાબદાર કર્મચારીઓની ભૂમિકાની તપાસ કરવાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, ઘટનાસ્થળે સુરક્ષાની વ્યવસ્થા કેવી હતી, અગાઉ કોઈ ફરિયાદ કરવામાં આવી હતી કે કેમ, રસ્તાની જાળવણી અને કામગીરીના રેકોર્ડમાં શું વિગતો છે તથા કયા અધિકારીની શું જવાબદારી હતી તેની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ પણ કરવામાં આવી છે. કોંગ્રેસનું કહેવું છે કે, તપાસમાં કોઈ અધિકારીની બેદરકારી સામે આવે તો તેના હોદ્દાને ધ્યાનમાં લીધા વિના કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
હાલમાં ફાયર વિભાગની ટીમ બાળકીની શોધ માટે સતત પ્રયત્નો કરી રહી છે. બીજી તરફ, કોંગ્રેસે માત્ર બચાવ કામગીરી જ નહીં, પરંતુ દુર્ઘટના પાછળ જવાબદાર પરિબળો અને અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની પણ માંગ ઉઠાવી છે.