અમદાવાદના વિશાલા-નારોલ રોડ પર શનિવારે (10 ઓક્ટોબર) મોડી સાંજે 10 વર્ષની એક બાળકી ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને તેમણે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
બાળકી ગટરમાં પડતાં જ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમ હરકતમાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 3 ઉચ્ચ અધિકારીઓ સહિત ફાયર બ્રિગેડની 3 અલગ-અલગ ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી છે.
આ ઘટના શહેરમાં ખુલ્લી ગટરોની સમસ્યા તરફ ધ્યાન દોરે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીને કારણે જાહેર રસ્તા પર ખુલ્લી ગટરો રહી જવાથી આવા બનાવો બનતા હોવાની ચર્ચા સ્થાનિક લોકોએ કરી હતી.