અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) વિસ્તારોમાંથી નીકળતા કચરાના નિકાલ માટે નવી પોલિસી તૈયાર કરશે. જે GIDC નક્કી કરેલો ચાર્જ ચૂકવશે, તેમના વિસ્તારનો કચરો કોર્પોરેશન ઉપાડશે. આ વ્યવસ્થાથી ઔદ્યોગિક એકમો જાહેર સ્થળોએ કચરો ફેંકે તેની સમસ્યા ઘટવાની અપેક્ષા છે.
આ રજૂઆત પછી કોર્પોરેશનના વહીવટી તંત્ર અને સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થઈ, અને ત્યારબાદ નવી પોલિસી બનાવવાનું આયોજન કરાયું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું કે જે GIDC ચાર્જ ચૂકવવા તૈયાર હશે, ત્યાંથી કોર્પોરેશન કચરો ઉપાડશે. તેમના મતે આનાથી ઔદ્યોગિક વિસ્તારોમાં કચરાના વ્યવસ્થિત નિકાલનો વિકલ્પ ઊભો થશે.
જોકે, નવી પોલિસીમાં કયા પ્રકારના કચરા માટે કેટલો ચાર્જ લેવામાં આવશે અને કચરો ઉપાડવાની કામગીરી કેવી રીતે થશે, તે બાબતો હજુ નક્કી થવાની બાકી છે.
બીજી તરફ, શહેરમાં ફેરિયાઓ અને શાકભાજીના વેપારીઓને રસ્તા પરથી હટાવીને વૈકલ્પિક જગ્યા આપવા કોર્પોરેશને ખાસ શાકમાર્કેટમાં થડા તૈયાર કર્યા હતા. આ થડા ડ્રો સિસ્ટમથી ફાળવાયા હતા, પરંતુ કેટલાક વેપારીઓએ થડા મળ્યા પછી ત્યાં ધંધો શરૂ કર્યો નથી. મોટાભાગનું વેજીટેબલ માર્કેટ હાલમાં બંધ છે, જ્યારે કેટલાક વેપારીઓ હજુ પણ જાહેર રસ્તા પર વ્યવસાય કરતા હોવાનું કોર્પોરેશનના ધ્યાનમાં આવ્યું છે. તેથી ફાળવાયેલા થડાનો ઉપયોગ ન કરનારા વેપારીઓની ફાળવણી રદ કરવાની તૈયારી છે. ખાલી પડનારા થડા જરૂરિયાતમંદ શાકભાજીના વેપારીઓને આપવામાં આવશે. આથી રસ્તા પરના દબાણ અને ટ્રાફિકની સમસ્યામાં રાહત મળી શકે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલી રહેણાંક સોસાયટીઓના સંચાલન અને નિભાવ ખર્ચની જવાબદારી સોંપવાની પ્રક્રિયામાં પણ બદલાવ કરાયો છે. અત્યાર સુધી શરૂઆતના બે વર્ષ સુધી આ જવાબદારી NGO પાસે રહેતી હતી અને બે વર્ષ પૂરા થયા પછી જ સોસાયટીના રહીશોને વહીવટ સોંપાતો હતો. હવે જો સોસાયટીના સભ્યો તૈયાર હોય તો બે વર્ષની મુદત પૂરી થાય તે પહેલાં જ તેમને સંચાલન અને નિભાવની સત્તા સોંપી શકાશે. આ નિર્ણયથી સોસાયટીના સભ્યોની સંમતિ અને તૈયારીના આધારે વહીવટ વહેલો સોંપવાનો માર્ગ ખુલશે.