સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: દિવાળી પહેલા માધુપુરા માર્કેટમાં ઘીના 25 એકમોનું ચેકિંગ, એકપણ નમૂનામાં ભેળસેળ નહીં

અમદાવાદ: દિવાળી પહેલા માધુપુરા માર્કેટમાં ઘીના 25 એકમોનું ચેકિંગ, એકપણ નમૂનામાં ભેળસેળ નહીં

દિવાળી નજીક આવી રહી છે ત્યારે અમદાવાદનું આરોગ્ય વિભાગ ખાણી-પીણીની ચીજવસ્તુઓની ગુણવત્તા અંગે સતર્ક થયું છે. મીઠાઈ અને ફરસાણ વિક્રેતાઓ પર ચેકિંગ બાદ હવે ઘી વિક્રેતાઓ પર પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદની સૌથી મોટી માધુપુરા માર્કેટમાં આવેલા ઘીના એકમોમાં આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ કર્યું હતું. ટીમે રેપિડ ટેસ્ટિંગ કિટની મદદથી સ્થળ પર જ ઘીના નમૂનાની તપાસ કરી, જેથી ભેળસેળ છે કે નહીં તે નક્કી થઈ શકે.

સામાન્ય રીતે ઘીમાં વનસ્પતિ ઘી કે અન્ય ચરબીની ભેળસેળ શોધવા માટે હાઇડ્રોક્લોરિક એસિડ (HCl) અને ફરફ્યુરલ સોલ્યુશનનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિને બોડોઇન ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ તપાસમાં મુખ્યત્વે ઘીમાં તલના તેલની હાજરી શોધવામાં આવે છે. જો ટેસ્ટ દરમિયાન ઘીનો રંગ લાલ કે ગુલાબી થાય, તો તેમાં તલના તેલની ભેળસેળની શક્યતા ગણવામાં આવે છે.

આરોગ્ય વિભાગની ટીમે તપાસ દરમિયાન કુલ 25 ઘીના એકમોમાં રેપિડ ટેસ્ટ કર્યા છે. આ તપાસમાં એકપણ એકમમાં ભેળસેળ જોવા મળી નથી.

જોકે, ટીમે આગળની કાર્યવાહી માટે ઘીના નમૂના પણ એકત્ર કર્યા છે. આ નમૂનાઓનું હવે લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવશે. લેબ ટેસ્ટિંગનું પરિણામ આવ્યા બાદ જ ભેળસેળ અંગે સ્પષ્ટ ચિત્ર ઊભું થશે અને તેના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

દિવાળીના તહેવારોમાં ઘણા ઘરોમાં ઘીમાંથી મીઠાઈઓ બનાવવામાં આવે છે. લોકો શુદ્ધ ઘી માનીને બજારમાંથી ઘી ખરીદે છે. ત્યારે ગ્રાહકોને ભેળસેળયુક્ત ઘી સામે સાવધ રહેવા અને ખરીદી પહેલાં વિક્રેતાની વિશ્વસનીયતા ચકાસવા આરોગ્ય વિભાગની આ તપાસ પગલું છે. ગ્રાહકોએ ખરીદીનું બિલ લેવું અને શંકા જાય તો આરોગ્ય વિભાગને જાણ કરવી જોઈએ.