સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: સીએમના મતવિસ્તાર ઘાટલોડિયામાં બુટલેગરનો અડ્ડો ઝડપાયો, 1.73 લાખનો દારૂ જપ્ત

અમદાવાદ: સીએમના મતવિસ્તાર ઘાટલોડિયામાં બુટલેગરનો અડ્ડો ઝડપાયો, 1.73 લાખનો દારૂ જપ્ત

અમદાવાદ: મુખ્યમંત્રીના મતવિસ્તાર ઘાટલોડિયામાંથી પોલીસે મહિલા બુટલેગરના ઘરમાંથી મોટા પ્રમાણમાં દારૂ અને બિયર જપ્ત કર્યો છે. આ કાર્યવાહી શહેર ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે કરી હતી.

બુધવારે (23મી સપ્ટેમ્બર) ઘાટલોડિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે ઘાટલોડિયા ગામમાં રામદેવપીરના મંદિર સામે આવેલા સુર્યા ફ્લેટના ત્રીજા માળે રહેતા મંજુબહેન ચુનારા વિદેશી દારૂનો જથ્થો વેચાણ માટે સંતાડીને રાખ્યો છે. આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. મકાનને તાળું મારેલું હોવાથી પોલીસે કાયદેસરની પ્રક્રિયા કરીને તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો.

ઘરની અંદર તપાસ કરતા એક રૂમમાં પ્લાસ્ટિકની 5 ડોલોમાંથી 124 થેલીઓમાં ભરેલો કુલ 62 લિટર દેશી દારૂ મળ્યો હતો. ત્યારબાદ રસોડામાં તપાસ કરતા ત્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો અને બિયરના ટીન મળીને કુલ 576 નંગ મળ્યા હતા. પોલીસે 1,73,680 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

દરોડા દરમિયાન આરોપી મંજુબહેન ચુનારા ઘરે હાજર નહોતા. પોલીસે તેમની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાથી રહેણાંક વિસ્તારમાં દારૂનો વેપલો થતો હોવાની સ્થાનિક પોલીસને જાણ નહોતી, તેવી શંકા સાથે સ્થાનિક પોલીસની કામગીરી અંગે પ્રશ્નો ઊભા થયા છે.