સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં ખાડા પૂરવા નવી ટેક્નોલોજી: 2 કલાકમાં રસ્તો વાહનવ્યવહાર માટે તૈયાર

અમદાવાદમાં ખાડા પૂરવા નવી ટેક્નોલોજી: 2 કલાકમાં રસ્તો વાહનવ્યવહાર માટે તૈયાર

અમદાવાદ શહેરમાં હવે રસ્તાના ખાડા અને બિસ્માર માર્ગોનું સમારકામ માત્ર 2 કલાકમાં થઈ જશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રસ્તા રિપેરિંગ માટે નવી જીઓપોલીમર ટેક્નોલોજી લાવવામાં આવી છે. આ ટેક્નોલોજીમાં સિમેન્ટનો ઉપયોગ થતો નથી.

શહેરના 6 ઝોનમાં સાડા પાંચ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આ નવી ફાસ્ટ સેટિંગ ટેક્નોલોજીથી કૉન્ક્રિટ રોડના સમારકામ માટે રોડ એન્ડ બિલ્ડિંગ્સ કમિટીની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.

જીઓપોલીમર ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે? આ ટેક્નોલોજીમાં બાઇન્ડર તરીકે સિમેન્ટનો ઉપયોગ થતો નથી. તેની જગ્યાએ થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસો બાળવાથી નીકળતી રાખ તેમજ ઉદ્યોગોમાંથી નીકળતી સિલિકા અને એલ્યુમિનિયમ જેવા બાય-પ્રોડક્ટ્સ વપરાય છે. આ રીતે તૈયાર થયેલા મટીરિયલને જીઓપોલીમર કહેવામાં આવે છે, જેમાં ફક્ત પાણી ઉમેરીને ખાડામાં ભરીને સમારકામ કરવામાં આવે છે. મુખ્યત્વે આ ટેક્નોલોજી કૉન્ક્રિટ રસ્તાઓમાં ઉપયોગમાં લેવાય છે. જો કે હાલ શહેરમાં ગણતરીના રસ્તા જ કૉન્ક્રિટના છે, પરંતુ સીજી રોડ, બોડકદેવ, વસ્ત્રાપુર, મણિનગર સહિતના વિસ્તારોમાં બનાવેલા કૉન્ક્રિટ રોડના ખાડા પૂરવા માટે આ પદ્ધતિ અપનાવાશે.

કાર્બન ફૂટપ્રિન્ટ ઘટશે પરંતુ ખર્ચમાં થશે વધારો. સામાન્ય રીતે કરાતા સમારકામની સામે આ નવી ટેકનોલોજીનો ખર્ચ થોડો વધી જાય છે. રોડ એન્ડ બિલ્ડિંગ્સ કમિટીના જણાવ્યા મુજબ, મુંબઈ ઇસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ વે સહિત અન્ય શહેરોમાં આ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિના ઉપયોગથી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટે છે, પાણી અને સમયની પણ મોટી બચત થાય છે.

નવી ટેકનોલોજીના મુખ્ય ફાયદાઓ: આ ટેકનોલોજીથી સમારકામ કર્યા પછી પાણી છાંટવાની જરૂર પડતી નથી. લાંબા સમયના બદલે માત્ર 2 કલાકમાં જ રસ્તો વાહનવ્યવહાર માટે ખુલી જાય છે. કચરી-કાંકરીથી મુક્ત હોવાથી પર્યાવરણને વિશેષ ફાયદો થાય છે અને ચોમાસાની ઋતુમાં પણ સરળતાથી સમારકામ કરી શકાશે. ભવિષ્યમાં જરૂર પડશે તો ડામરના રસ્તાના રિપેરિંગ માટે પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.