અમદાવાદ: ચૂંટણી પ્રક્રિયામાં મતદારોના નામ ડિલિટ થવાના મુદ્દે દેશભરમાં વિરોધ ફેલાઈ રહ્યો છે. તેની અસર હવે અમદાવાદમાં પણ જોવા મળશે. આજે (10મી ઓક્ટોબર) સાંજે 6:30 વાગે આશ્રમ રોડ પર એમ.જે. લાઈબ્રેરી પાસે જેન-ઝી યુવાનો અને વિવિધ યુવા સંગઠનોના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરશે.
આ પ્રદર્શનમાં યુથ કોંગ્રેસ, એનએસયુઆઈ, એસએફઆઈ, એસવાયસીએ, આરડીએમ, એનએપીએમ, એઆઈએમએસએસ, ડીવાયએફ અને એમએસડી સહિતના સંગઠનો જોડાશે. અંદાજે 400થી 500 લોકો એકઠા થવાની શક્યતા છે. પ્રદર્શનકારીઓ 'ડેમોક્રેસી અગેઈન્સ્ટ ડિલિટેશન'ના નારા લગાવશે અને લોકશાહી બચાવવાની માંગ કરશે.
આ પહેલાં દિલ્હીમાં જંતર-મંતર ખાતે આંદોલનની અસર અમદાવાદમાં પણ જોવા મળી રહી છે. પોલીસ વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે. યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કેટલાક નેતાઓ-કાર્યકરોને હાઉસ કોર્ડન કરાયા છે, જ્યારે કેટલાકની અટકાયત પણ કરવામાં આવી છે. આજે દિલ્હીમાં યોજાનારા આંદોલનમાં અમદાવાદના નેતાઓ ન જોડાય તે માટે સવારથી જ પોલીસે પગલાં લીધાં છે.