સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસે મુસાફરોને ધમકાવી લૂંટતી ટોળકીનો વીડિયો વાઇરલ, પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદના ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસે મુસાફરોને ધમકાવી લૂંટતી ટોળકીનો વીડિયો વાઇરલ, પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદના ગીતામંદિર સેન્ટ્રલ એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક રસ્તા પરથી પસાર થતા મુસાફરો અને રાહદારીઓને રોકીને ડરાવી-ધમકાવીને લૂંટ કરતી એક ટોળકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાને એક જાગૃત મુસાફરે મોબાઇલમાં કેદ કરી હતી, જેમાં ચાર અસામાજિક તત્વો, જેમાં એક સગીર પણ સામેલ હોવાનું જણાય છે, લોકોને ધમકાવીને તેમના ખિસ્સામાંથી રોકડ અને સામાન પડાવતા દેખાય છે.

મળતી માહિતી અનુસાર, ગીતામંદિર બસ સ્ટેન્ડ ખાતે રોજના હજારો મુસાફરોની અવરજવર રહે છે. આ ભીડભાડવાળા વિસ્તારની બહાર ચાર જેટલા અસામાજિક તત્વો રસ્તા પરથી પસાર થતા લોકોને બળજબરીથી રોકી, ધમકી આપીને તેમનાં ખિસ્સાં તપાસી રોકડ તથા સામાન લૂંટી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના દરમિયાન ત્યાંથી પસાર થતી બસમાં બેઠેલા એક મુસાફરે છૂપી રીતે વીડિયો બનાવી લીધો હતો.

આ સમગ્ર મામલો સામે આવતાં ઝોન-6 ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, 'ધ્યાને આવેલા વીડિયોમાં કેટલાક શખસો રાહદારીઓને રોકીને તપાસતા દેખાય છે. વીડિયોના આધારે એક યુવકની ઓળખ થઈ ગઈ છે. આ વીડિયો કઈ તારીખ અને સમયનો છે તેની ખરાઈ કરીને આગળની કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.'

પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી છે અને એક શખસની ઓળખ કરી છે. બસ સ્ટેન્ડ પર આવતા-જતા મુસાફરોની સલામતી માટે પોલીસ વધુ પગલાં લે તેવી શક્યતા છે.