અમદાવાદમાં રસ્તા પર રખડતી ગાયોને પકડીને કરુણા મંદિરમાં લાવવામાં આવે છે. આ ગાયોના છાણમાંથી હવે બાયોગેસ બનાવવામાં આવે છે, જેનાથી દર મહિને રૂ. 3.5 લાખની બચત થાય છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC)એ બાકરોલ અને દાણીલીમડામાં બે કરુણા મંદિર બનાવ્યા છે. દાણીલીમડામાં 32 હજાર ચોરસ મીટરમાં 1200 પશુઓની ક્ષમતાવાળું કરુણા મંદિર છે, જ્યાં હાલમાં 530 ગાયો છે. બાકરોલનું કરુણા મંદિર 50,280 ચોરસ મીટરમાં ફેલાયેલું છે, જેમાં 11 શેડમાં 1030 ગાયો રાખવાની ક્ષમતા છે અને હાલમાં 1020 ગાયો છે.
બાકરોલના કરુણા મંદિરમાં રૂ. 14 કરોડના ખર્ચે 11 શેડ, પાણીના હવાડા અને ગમાણની સુવિધા ઊભી કરાઈ છે. મોટા શેડમાં 400થી 450 ગાયો અને નાના શેડમાં 200થી 250 ગાયો રહી શકે છે. પશુઓની કેટેગરી મુજબ અલગ-અલગ શેડ બનાવાયા છે, જેમાં નંદી, નાના વાછરડાં અને દૂધવાળી ગાયો માટે અલગ વ્યવસ્થા છે. અહીં દરરોજ 3200 કિલોથી વધુ છાણ થાય છે. કુલ 11 શેડમાંથી 3 શેડનો ઉપયોગ ખાતર, કુંડાં અને અન્ય પ્રોડક્ટ્સ બનાવવા માટે થાય છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમ મુજબ 100 કિલો કરતાં વધુ વેસ્ટ જનરેટ થાય તો તેનો નિકાલ કરવો પડે છે. બાકરોલના કરુણા મંદિરમાં દરરોજ 3200 કિલોથી વધુ છાણ જનરેટ થતું હોવાથી તે બલ્ક વેસ્ટ જનરેટર છે. એટલે આટલા છાણનો નિકાલ કરવા માટે કોર્પોરેશને PPP મોડેલથી રૂ. 32 લાખના ખર્ચે બાયોગેસ પ્લાન્ટ બનાવ્યો છે.
AMCના ન્યૂસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટના વડા નરેશ રાજપૂતે જણાવ્યું કે, અહીં દરરોજ જે 3200 કિલો છાણ જનરેટ થાય છે તેમાંથી 1000 કિલો છાણનો ઉપયોગ બાયોગેસ બનાવવામાં થાય છે. બાકીના 1400 કિલો છાણમાંથી સ્ટીક અને 800 કિલોમાંથી ખાતર બને છે. દાણીલીમડા અને બાકરોલમાં 1-1 ટનની કેપેસિટીવાળા બાયોગેસના 2 પ્લાન્ટ કાર્યરત છે, જે છેલ્લા દોઢ વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહ્યા છે.
અગાઉ દર મહિને રૂ. 3.50 લાખના ખર્ચે છાણ અને બીજા વેસ્ટનો નિકાલ કરાતો હતો. JCB અને 2 આઇવાથી 2 શિફ્ટમાં કામ કરીને આ વેસ્ટને ડમ્પ સાઇટ પર નખાતો હતો, પણ જાન્યુઆરી-2025થી આ કેમ્પસ ઝીરો વેસ્ટ કેમ્પસ બન્યું છે. ત્યારથી આ કેમ્પસમાંથી કોઈ વેસ્ટ બહાર નથી જતો. ઝીરો વેસ્ટ કેમ્પસ હેઠળ ગાયના છાણમાંથી ખાતર, કુંડાં, કોડિયાં, છાણની ટીકી અને સ્ટીક તેમજ બાયોગેસ બનાવાય છે. બાયોગેસ પ્લાન્ટથી દર મહિને રૂ. 3.5 લાખની સીધી બચત થઈ છે.
નરેશ રાજપૂત કહે છે કે, દરરોજ જે 18થી 20 કિલો બાયોગેસ મળે છે તેમાંથી 500 રોટલીઓ બને છે. જેમાં ગોળ મૂકી બીડું બનાવાય છે. આ બીડું મુલાકાતીઓ ગાયોને ખવડાવી શકે તે માટે ફ્રીમાં અપાય છે. બાયોગેસથી કામદારોની રસોઈ (કમ્યુનિટી કિચન) ચાલે છે. વધારાના બાયોગેસથી 8 હેલોજન લાઇટો ચલાવાય છે, જેથી દરરોજ 17-18 યુનિટ વીજળી બચે છે.
દાણીલીમડાના બાયોગેસ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતા ગેસમાંથી દરરોજ 600 રોટલી બને છે, જેમાંથી 250 રોટલી બીમાર શ્વાનોને દૂધ સાથે અને બાકીની 450 જેટલી રોટલીઓ ગાયોને અપાય છે. કચરામાંથી બનતા ખાતર, કુંડાં, કોડિયા, સ્ટીક વગેરેને અહીં આવતા મુલાકાતીઓને કપડાંની બેગમાં પેક કરીને ગિફ્ટ તરીકે મફત અપાય છે. આ ઉપરાંત ગાયોને ખવડાવવા માટે ગોળ, ખોળ, પાપડી અને લીલું ઘાસ પણ મુલાકાતીઓને વિનામૂલ્યે અપાય છે. નાગરિકો 'ફ્રેન્ડ્સ ઓફ કેટલ સ્કીમ' હેઠળ ઇચ્છા મુજબ ઓનલાઇન ડોનેશન આપી શકે છે.
ગાયોને અહીં લાવ્યા પછી દૈનિક ઘાસચારો, સાફ-સફાઈ અને તબીબી સારવારની વ્યવસ્થા કોર્પોરેશને કરી છે. આ તમામ દેખરેખ અને સેવા માટે 45થી વધુ લોકોનો સ્ટાફ ખડેપગે રહે છે. કરુણા મંદિરની આ કાયાપલટ માટે કોર્પોરેશને 5R કોન્સેપ્ટ અપનાવ્યો છે. આ કેમ્પસમાં આવેલા તળાવને ઊંડું કરાયું છે.