અમદાવાદના સરખેજમાં આવેલા 'નોરતા નગરી' ગરબા મહોત્સવના આયોજનમાં કરોડો રૂપિયાની ટિકિટ ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. આયોજનમાં સામેલ ભાગીદારોએ એકબીજા સામે 8થી 10 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આક્ષેપ કરતી ફરિયાદ સરખેજ પોલીસ મથકે નોંધાવી છે.
ફરિયાદ અનુસાર, સ્પોન્સર્સ અને પરિચિતો માટે રાખવામાં આવેલી મફત (કમ્પ્લિમેન્ટરી) ગરબા ટિકિટોને ગેરકાયદે રીતે પેઇડ ટિકિટમાં ફેરવીને ઓનલાઈન અને ઓફલાઈન વેચી મારવામાં આવી હતી. આ કારણે અન્ય ભાગીદારોને 8થી 10 કરોડ રૂપિયાનું નાણાકીય નુકસાન થયું છે.
ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે કામ કરતા 36 વર્ષીય અર્જુન ભૂતિયાએ સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમના આધારે પોલીસે પાશ્વ જ્વેલર્સના દર્શન શાહ, તેમના મેનેજર જયેશ પરમાર, રવિ શાહ અને સંજય દેસાઈ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, અર્જુન ભૂતિયાએ જીગર ચૌહાણ, કૃષ્ણ ગઢવી અને દર્શન શાહ સાથે મળીને 'નોરતા નગરી' ગરબા કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું. આ માટે 'એએઆઈ ઇવેન્ટ્સ'ના નામે નોટરાઇઝ્ડ ભાગીદારી કરાર કરવામાં આવ્યો હતો. દર્શન શાહની ભલામણથી તેમના મેનેજર જયેશ પરમારને પણ ભાગીદારીમાં સામેલ કરાયા હતા.
કરાર મુજબ, 'ઝોમેટો' એપના 'ડિસ્ટ્રિક્ટ' પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટોનું વેચાણ થવાનું હતું, જ્યારે દરરોજ આશરે 4,000 ટિકિટ સ્પોન્સર્સ અને ઓળખીતાઓ માટે મફત રાખવાની સંમતિ થઈ હતી. ભાગીદારોની લેખિત કે મૌખિક સંમતિ વિના વધારાની એક પણ ટિકિટ આપવી નહીં એવો નિયમ પણ નક્કી કરાયો હતો.
જોકે, ગરબા મહોત્સવ દરમિયાન ગ્રાઉન્ડ પર બે અજાણ્યા શખસો ગેરકાયદે ટિકિટ વેચતા પકડાયા હતા. પૂછપરછમાં તેમણે જણાવ્યું કે આ ટિકિટ 'ટિકિટ ટાવર' કંપનીના ઉમંગ પાસેથી મળી છે. ઉમંગનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે ટિકિટ દર્શન શાહે આપી હતી અને તે મૂળ કમ્પ્લિમેન્ટરી ટિકિટો જ હતી. ત્યારે કાર્યક્રમ ખોરવાય નહીં તે માટે ભાગીદારોએ તાત્કાલિક કોઈ પગલાં લીધા નહોતા.
ગરબા પૂર્ણ થયા બાદ ભાગીદારોએ 'ડિસ્ટ્રિક્ટ' પ્લેટફોર્મ પરથી ટિકિટિંગ ડેટા મેળવ્યો ત્યારે આખો મામલો પ્રકાશમાં આવ્યો. ઝોમેટો પાસે સ્પષ્ટતા માગતા જાણવા મળ્યું કે કમ્પ્લિમેન્ટરી ટિકિટો દર્શન શાહના કન્સલ્ટન્ટ મારફતે તેમના ભત્રીજા રવિ શાહને મોકલવામાં આવી હતી અને તેને ઓનલાઈન પ્લેટફોર્મ પર મૂકીને વેચી દેવાઈ હતી. ભાગીદારોએ દર્શન શાહ પાસે ખુલાસો માગ્યો ત્યારે તેમણે સંતોષકારક જવાબ આપ્યો નહોતો.
દર્શન શાહ, જયેશ પરમાર, રવિ શાહ અને સંજય દેસાઈએ અન્ય ભાગીદારોની જાણ બહાર કમ્પ્લિમેન્ટરી ટિકિટો ગેરકાયદે વેચીને આશરે 8થી 10 કરોડ રૂપિયા મેળવી છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ છે.
સરખેજ પોલીસે ભાગીદારી કરાર, ટિકિટ રેકોર્ડ્સ, બેંક એકાઉન્ટ ડિટેલ્સ અને ઝોમેટોના ટ્રાન્ઝેક્શન ડેટા એકત્રિત કરીને આરોપીઓની ભૂમિકા અને નાણાકીય ગેરરીતિની ચોક્કસ રકમ અંગે વધુ તપાસ હાથ ધરી છે.