અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન ગરબાના પાસ સસ્તા ભાવે આપવાના નામે લોકો સાથે છેતરપિંડી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ પર મોંઘા ગરબાના પાસ સસ્તા ભાવે આપવાની લોભામણી જાહેરાતો મૂકીને લોકોને આકર્ષ્યા હતા. શહેરમાં યોજાતા 25 જેટલા ગરબા આયોજનોના પાસ વેચવાના નામે આરોપીઓએ લોકોને નિશાન બનાવ્યા હતા અને તેમની પાસેથી હજારો રૂપિયા પડાવ્યા હતા. સોશિયલ મીડિયા પરની જાહેરાતો પર વિશ્વાસ કરીને પાસ ખરીદવા ઇચ્છતા લોકો સાથે આ રીતે છેતરપિંડી આચરવામાં આવતી હતી.
સાયબર ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. તપાસમાં આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને અત્યાર સુધી કેટલા લોકો ભોગ બન્યા છે તે સહિતની વિગતો મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે.