સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: 40 લાખ ફી ચૂકવ્યા વિના 4 દિવસ ગરબા, AMCએ ગોતાનો પ્લોટ સીલ કર્યો

અમદાવાદ: 40 લાખ ફી ચૂકવ્યા વિના 4 દિવસ ગરબા, AMCએ ગોતાનો પ્લોટ સીલ કર્યો

અમદાવાદના જગતપુર-ગોતા રોડ પર આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પ્લોટમાં 'ફળિયું' નામે યોજાયેલા ગરબાના સ્થળને 15 ઑક્ટોબરે સીલ કરવામાં આવ્યું છે. ગરબા માટે નક્કી થયેલું 21 લાખ રૂપિયાનું ભાડું અને 19 લાખ રૂપિયાની ડિપોઝિટ, એમ કુલ 40 લાખ રૂપિયા આયોજકોએ ભર્યા ન હતા, છતાં ચાર દિવસ સુધી ગરબા ચાલ્યા હોવાનું સામે આવ્યું છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે AMC નવરાત્રિ દરમિયાન ગરબા માટે પ્લોટ ભાડે આપે છે. ગોતા વૉર્ડમાં જગતપુર રોડ પરના પ્લોટમાં 'ફળિયું' ગરબા માટે જગ્યા ફાળવવામાં આવી હતી, પરંતુ આયોજકોએ ચાર દિવસ સુધી નિર્ધારિત રકમ જમા કરાવી નહોતી.

આ બાબત 14 ઑક્ટોબરે AMCના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના ધ્યાન પર આવી. ત્યારબાદ 15 ઑક્ટોબરની સવારે કોર્પોરેશનની ટીમ સ્થળ પર પહોંચી અને ગરબા યોજાતો પ્લોટ સીલ કરવાની કાર્યવાહી કરી.

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ચૂકવણી કર્યા વિના આયોજન શરૂ કેમ થયું. AMCના એસ્ટેટ વિભાગની મધ્યસ્થ કચેરી, ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઑફિસર અને ગોતા વૉર્ડના ઇન્સ્પેક્ટરની કામગીરી અંગે સવાલો ઊભા થયા છે. ગરબાના પ્લોટની ફાળવણી ઓનલાઇન પ્રક્રિયા દ્વારા થાય છે અને નક્કી કરેલી રકમ ભર્યા પછી જ આયોજનની મંજૂરી આપવામાં આવે છે. છતાં આ રકમ જમા ન થઈ હોવા છતાં ચાર દિવસ ગરબા ચાલ્યા. ચૂકવણીની ચકાસણી કર્યા વિના સ્થળનો ઉપયોગ કેમ શરૂ થયો અને સંબંધિત અધિકારીઓને જાણ સમયસર કેમ ન થઈ, તે અંગે તપાસ બાકી છે.

નોંધનીય છે કે આ ગરબામાં ખેલૈયાઓ પાસેથી ટિકિટ પેટે 500થી 4,000 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલાતો હતો. પણ આયોજકોએ તંત્રની તિજોરીમાં રકમ જમા કરાવી નહોતી.

આયોજકોએ ગરબા માટે જરૂરી ફાયર NOC લીધી હતી કે નહીં, તે પણ તપાસનો વિષય છે. સત્તાધિશોએ જણાવ્યું કે જરૂરી મંજૂરીઓમાં કોઈ નિયમભંગ સામે આવે તો કાર્યવાહી થઈ શકે છે.