અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગમાં ગરબા પાસને લઈને બે ઉચ્ચ અધિકારીઓ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. શુક્રવારે રાત્રે નોર્થ વેસ્ટ ઝોનના ડિવિઝનલ ફાયર ઓફિસર (DFO) સ્વસ્તિક જાડેજાએ 'પરંપરા' અને અન્ય એક ગરબા સ્થળે પાસ મુદ્દે હોબાળો મચાવ્યો હોવાની ફરિયાદ આયોજકોએ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર (CFO) જયેશ ખડિયાને ટેલિફોન પર કરી હતી.
આ ફરિયાદ બાદ તપાસ કરતાં DFO સત્તાવાર જાણ કે મંજૂરી વિના સરકારી વાહન લઈને ગયા હોવાનું સામે આવ્યું. ઇન્ચાર્જ CFOએ તેમને ગંભીર ગેરશિસ્ત અને સરકારી સંપત્તિના દુરુપયોગ બદલ એક દિવસમાં ખુલાસો કરવા શો-કોઝ નોટિસ પાઠવી છે.
નોટિસમાં દર્શાવ્યા મુજબ, 16 ઓક્ટોબર 2026ના રોજ DFO સ્વસ્તિક જાડેજાને ફાળવવામાં આવેલી બોલેરો કાર થલતેજ ફાયર સ્ટેશન ખાતે હાજર હતી. તેમ છતાં, તેમાં જીપીએસ હોવાથી તેને મૂકી દઈને સ્ટેશન ફાયર ઓફિસરને ફાળવાયેલી ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ કોઈ પણ પૂર્વ મંજૂરી કે રોજકામ/પાલડી કંટ્રોલ રૂમમાં નોંધ કરાવ્યા વગર લઈ ગયા હતા. આશરે 13 કલાક સુધી સરકારી ચોપડે એન્ટ્રી કર્યા વિના વાહનનો ઉપયોગ કર્યા બાદ 17 ઓક્ટોબરના રોજ વહેલી સવારે 04:18 કલાકે કાર સ્ટેશનમાં લાવ્યા હતા અને 04:25 કલાકે ખોટી એન્ટ્રીઓ કરાવી હતી. આ મુદ્દે ઇન્ચાર્જ CFOએ ટેલિફોન પર પૂછપરછ કરતાં તેમની સાથે જીભાજોડી કરીને ગુજરાત સિવિલ સર્વિસીસ કન્ડક્ટ રૂલ્સ, 1971ના નિયમ-3 અને GPMC એક્ટનું ઉલ્લંઘન કર્યું હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે.
બીજી તરફ, DFO સ્વસ્તિક જાડેજાએ ઇન્ચાર્જ CFO સામે ચાર પેજનો પત્ર લખીને ACB તપાસની માંગ કરી છે, જેથી મામલો વધુ ગરમાયો છે. હાલમાં નિયમિત CFO મિથુન મિસ્ત્રી નાદુરસ્ત તબિયતના કારણે રજા પર હોવાથી આ આંતરિક જૂથબંધી વધુ વકરી છે.
ફાયર વિભાગમાં ઇમરજન્સી કામગીરી માટે અધિકારીઓને વાહનો ફાળવવામાં આવે છે. DFO સ્વસ્તિક જાડેજા પાસે ફાળવાયેલી બોલેરોમાં જીપીએસ હોવાથી લોકેશન ટ્રેક ન થાય તે હેતુથી અન્ય અધિકારીની ગાડી લઈ જવાઈ હોવાની વ્યાપક ચર્ચા છે. આયોજકોના જણાવ્યા અનુસાર, ગરબા પાસ માટે અધિકારી દ્વારા દબાણ ઊભું કરવામાં આવ્યું હતું. જે બાદ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ પહોંચતાં જ સમગ્ર વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે.