સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના ગરબા પાસ પર GST ચોરીનો આરોપ, અધિકારીઓની અવગણના

અમદાવાદના ગરબા પાસ પર GST ચોરીનો આરોપ, અધિકારીઓની અવગણના

અમદાવાદમાં નવરાત્રિના ગરબા આયોજકો દ્વારા પાસ પર GST ચોરી કરવામાં આવી રહી હોવાનો મામલો સામે આવ્યો છે. નિયમ મુજબ, રૂ. 500થી વધુ કિંમતના પાસ પર 18% GST લાગુ પડે છે. પરંતુ મોટા આયોજકો રૂ. 1,200થી લઈને રૂ. 2,500 સુધીના પાસ વેચીને પણ GST ભરતા નથી.

'સાચી નવરાત્રી', 'પરંપરા નવરાત્રી', 'રંગ મોરલા' જેવા મોટા આયોજનોમાં પાસના ભાવ રૂ. 2,500 સુધીના બોલાઈ રહ્યા છે. ગોપાલ ફાર્મ ખાતે કીર્તિદાન ગઢવીની પરંપરા નવરાત્રિમાં 13મી તારીખના પાસના ભાવ રૂ. 999, 1,399 અને 2,499 છે. શીલજ પાસે સવાન્ના પાર્ટી પ્લોટમાં આદિત્ય ગઢવીના ગરબામાં પાસના ભાવ રૂ. 2,000, 5,000 (VIP) અને 7,500 (પાંચ વ્યક્તિના ગ્રુપ પાસ) છે. શનિવારે આદિત્ય ગઢવીના ગરબાના એક દિવસના પાસના રૂ. 1,000 લેવામાં આવ્યા હતા. સાયન્સ સિટી રોડ પર જીગરદાન ગઢવીની સાચી નવરાત્રિમાં 13મી ઓક્ટોબરના પાસના ભાવ રૂ. 1,200, 1,500 અને 2,500 છે.

આ ઉપરાંત, શહેરની વિવિધ ક્લબોમાં યોજાતા ગરબીના એન્ટ્રી પાસ પર પણ મોટી રકમ લેવામાં આવે છે. આયોજકો પાસ પર તેની કિંમત લખતા નથી, પરંતુ કિંમત લઈને વેચે છે. જેના કારણે તેઓ GST ચુકવવાને પાત્ર બને છે. છતાં તેઓ આ છટકબારીનો ઉપયોગ કરીને GST ચોરી કરી રહ્યા છે.

આ અંગે GST વિભાગના એન્ફોર્સમેન્ટ અધિકારી કિરણ સોલંકીને સંપર્ક કરતાં તેમણે કહ્યું કે, "અમારા ધ્યાનમાં આવશે તો અમે જરૂર પગલાં લઈશું."