સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના સિંધુ ભવન રોડ પર ગરબામાં નકલી પાસનું કૌભાંડ, આયોજકની ફરિયાદ

અમદાવાદના સિંધુ ભવન રોડ પર ગરબામાં નકલી પાસનું કૌભાંડ, આયોજકની ફરિયાદ

અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી સંકલ્પ નગરી ગરબામાં ડુપ્લિકેટ પાસનું કૌભાંડ સામે આવ્યું છે. આયોજકોએ કરેલી ફરિયાદ મુજબ, વિપુલ ભીમાણી નામના શખ્સે આયોજકોની જાણ બહાર વધારાના નકલી પાસ છાપીને બારોબાર વેચ્યા હતા.

સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા અને ઇવેન્ટ મેનેજમેન્ટનો બિઝનેસ કરતા 27 વર્ષીય દ્રુપદ હિમાંશુ ગાંધી અને તેમના મિત્રો ધીરજસિંહ રાઠોડ તથા દક્ષ આચાર્યે સરખેજ સિંધુ ભવન રોડ પર ઔડાની જગ્યામાં સંકલ્પ નગરી નામે ગરબાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ માટે તેમણે આગમ ઝેરોક્ષ ખાતેથી 10 દિવસના રોજના 8,000 લેખે કુલ 80,000 પાસ પ્રિન્ટ કરાવ્યા હતા.

ગરબામાં ક્ષમતા કરતાં વધુ ભીડ જોવા મળતાં આયોજકોને શંકા ગઈ કે કોઈએ ખોટા પાસ બનાવ્યા છે. આથી 16 ઓક્ટોબરે આયોજકોએ તાત્કાલિક પાસની ડિઝાઇન અને કલર બદલીને નવા પાસ બનાવડાવ્યા હતા અને જૂના પાસ રદ કરીને પોતાની પાસે રાખી લીધા હતા.

16 ઓક્ટોબરે રાત્રે ગેટ પર ચેકિંગ દરમિયાન કેટલાક ખેલૈયાઓ અગાઉ પ્રિન્ટ કરાવેલા અને રદ કરાયેલા જૂની ડિઝાઇનના પાસ લઈને ગરબા રમવા આવ્યા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું કે આ પાસ વિપુલ ભીમાણી નામના શખ્સે આપ્યા હતા. ત્યારબાદ 17 ઓક્ટોબરે આયોજકોએ પાસ પર ખાસ સ્ટીકર લગાવ્યા હોવા છતાં ઘણા લોકો સ્ટીકર વગરના પાસ સાથે પકડાયા હતા.

આ સમગ્ર ઘટનામાં વિપુલ ભીમાણી તથા અન્ય શખ્સોએ આયોજકોની જાણ બહાર વધારાના પાસ છાપીને તેનું ગેરકાયદે વિતરણ કર્યું હોવાથી આયોજકોએ સરખેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.