સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના વટવામાં ઓડિશાથી જૂનાગઢ જતો ₹4.96 લાખનો ગાંજો ઝડપાયો, મહિલા સહિત બે ઝડપાયા

અમદાવાદના વટવામાં ઓડિશાથી જૂનાગઢ જતો ₹4.96 લાખનો ગાંજો ઝડપાયો, મહિલા સહિત બે ઝડપાયા

અમદાવાદ શહેરના વટવા પોલીસે એસ.પી. રિંગરોડ પર રોપડા ચેકપોસ્ટ પાસેથી ઓડિશાથી જૂનાગઢ જઈ રહેલો 9.920 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ જથ્થાની કિંમત અંદાજે ₹4,96,000 છે. પોલીસે આ કેસમાં મહિલા સહિત બે કેરિયર્સની ધરપકડ કરી છે.

વટવા પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે એક સ્ત્રી અને એક પુરુષ પ્લાસ્ટિકની થેલીઓમાં કપડાંની આડમાં પ્રતિબંધિત માદક પદાર્થ લઈને વટવા રિંગરોડ રોપડા ચાર રસ્તા પાસેથી પસાર થવાના છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા કરીમશા મહેબુબશા રફાઈ અને રિજવાનાબાનું આમદભાઈ સેહતા (બંને જૂનાગઢના રહેવાસી)ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેની ત્રણ પ્લાસ્ટિક થેલીઓની તલાશી લેતા તેમાંથી 6 અલગ-અલગ પાર્સલમાંથી કુલ 9 કિલો 920 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે પકડાયેલી મહિલા રિજવાનાના પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હતા. પરિસ્થિતિ વણસતાં અને આર્થિક તંગી સર્જાતા તે આ ગેરકાયદે નેટવર્કમાં જોડાઈ હતી. અગાઉ પણ તે જૂનાગઢના આદિલ સૈયદ અને વેરાવળના ફૈજાન મેમણના કહેવાથી 4 થી 5 વખત ઓડિશાથી ગાંજો લાવી ચૂકી છે.

આ કેસના મુખ્ય સૂત્રધાર આદિલ સૈયદ અને ફૈજાન મેમણે આ ફેરા માટે રિજવાનાને ₹1 લાખ રોકડા આપ્યા હતા, જેમાંથી તેણે ₹90,000 ઓડિશાના બેરામલ ગામે રહેતા રબીદાસ નામના શખ્સને માલની કિંમત પેટે ચૂકવ્યા હતા અને બાકીના નાણાં ખર્ચ માટે રાખ્યા હતા. આ માલ સલામત રીતે જૂનાગઢ પહોંચાડવા બદલ રિજવાનાને ટ્રિપના ₹20,000 મળવાના હતા. આ કામમાં સાથ આપવા માટે તેણે સાથી આરોપી કરીમશાને રોજના ₹1,000 ભાડા કે મજૂરી પેટે આપવાની લાલચ આપી સાથે રાખ્યો હતો.

આ બંને આરોપીઓ ટ્રેન મારફતે ઓડિશા ગયા હતા અને ત્યાંથી નાગપુર રોકાઈને ખાનગી ટ્રાવેલ્સ બસ દ્વારા અમદાવાદ થઈને જૂનાગઢ માલ પહોંચાડવાના ફિરાકમાં હતા. વટવા પોલીસે આ મામલે ડ્રગ્સ મંગાવનાર આદિલ સૈયદ અને ફૈજાન મેમણ તેમજ ઓડિશાના સપ્લાયર રબીદાસ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની સઘન તપાસ શરૂ કરી છે.