સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં આજે ગણેશ વિસર્જન: બપોરે 1 વાગ્યાથી આ રસ્તા બંધ, જાણો વૈકલ્પિક માર્ગ

અમદાવાદમાં આજે ગણેશ વિસર્જન: બપોરે 1 વાગ્યાથી આ રસ્તા બંધ, જાણો વૈકલ્પિક માર્ગ

અમદાવાદમાં આજે 25 સપ્ટેબરે ગણેશ વિસર્જનના કારણે બપોરે 1 વાગ્યાથી શહેરના કેટલાક મુખ્ય રસ્તાઓ પર સામાન્ય વાહનવ્યવહાર બંધ રહેશે. પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને વૈકલ્પિક રૂટ જાહેર કર્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ટ્રાફિકનું ભારણ ઓછું કરવા પોલીસ દ્વારા વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

એરપોર્ટ કે રેલવે સ્ટેશન જવાનું આયોજન હોય તેવા લોકોને એકથી બે કલાક વહેલા નીકળવાની સલાહ આપવામાં આવી છે, જેથી આશ્રમ રોડ અને અન્ય માર્ગો પર અતિશય ટ્રાફિકની સ્થિતિમાં અટવાવું ન પડે.

બપોરે 1 વાગ્યા બાદ નીચે મુજબના રસ્તા બંધ રહેશે:

• એસટી ગીતામંદિરથી જમાલપુર બ્રિજ થઈને સરદાર બ્રિજ થઈ પાલડી જવા-આવવાનો રસ્તો બંધ રહેશે. વૈકલ્પિક રૂટ: એસટી ગીતામંદિરથી જમાલપુર બ્રિજ નીચેથી બહેરામપુરા, દાણીલીમડા ચાર રસ્તાથી જમણી બાજુ આંબેડકર બ્રિજ, અંજલી ચાર રસ્તાથી પાલડી ચાર રસ્તા અને આશ્રમ રોડ પર જઈ શકાશે.

• એસટી ગીતામંદિરથી રાયપુર ચાર રસ્તા થઈને સારંગપુર સર્કલથી રેલવે સ્ટેશન ઈનગેટ જવાનો રસ્તો બંધ રહેશે. નરોડા તરફ જવા માટે એસટી સ્ટેશનથી ભુલાભાઈ ચાર રસ્તા, કાંકરિયા ચોકી, અપ્સરા સિનેમા ચાર રસ્તા, અનુપમ સિનેમા, ગોમતીપુર રેલવે કોલોની, કાળીદાસ ચાર રસ્તા, સરસપુર આંબેડકર હોલ, કાલુપુર બ્રિજ થઈને જઈ શકાશે.

• કાલુપુર રેલવેથી સારંગપુર સર્કલ થઈ કાગડાપીઠથી રાયપુર ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજા, ખમાસા ચાર રસ્તા અને ત્યાંથી વિક્ટોરિયા ગાર્ડનથી એલિસબ્રિજ ટાઉન હોલ સુધીનો રસ્તો બંધ રહેશે. વૈકલ્પિક રૂટ: કાલુપુર રેલવે સ્ટેશનથી કાલુપુર સર્કલ, આંબેડકર હોલ, ગોમતીપુર રેલવે કોલોની, અનુપમ સિનેમાથી અપ્સરા સિનેમા ચાર રસ્તા, દાણીલીમડા, આંબેડકર બ્રિજ, અંજલી ચાર રસ્તાથી પાલડી અને આશ્રમ રોડ તરફ જઈ શકાશે.

• રખિયાલ ચાર રસ્તાથી કાલીદાસ ચાર રસ્તા, ચારતોળા કબરસ્તાન, ડબ્બા બજાર, સરસપુર આઈટીઆઈ થઈ ગુરુદ્વારા ચાર રસ્તા સુધીનો રસ્તો બંધ રહેશે. વૈકલ્પિક રૂટ: રખિયાલ ચાર રસ્તાથી ગરીબ નગર ચાર રસ્તા, મેમ્કો ચાર રસ્તા, નરોડા ફ્રુટ માર્કેટના રૂટથી કાલુપુર જઈ શકાશે.

• દિલ્હી દરવાજા નમસ્તે સર્કલથી ટ્રાફિક ભવન (જૂની પોલીસ કમિશનર ઓફિસ)થી કેન્દ્રીય વિદ્યાલયના કટથી દધીચી બ્રિજ સુધીનો રસ્તો બંધ રહેશે. તેમજ દિલ્હી દરવાજાથી લીમડા ચોક, લીથો પ્રેસ, દધીચી બ્રિજ સુધીનો રસ્તો પણ તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ રહેશે. વૈકલ્પિક રૂટ: દિલ્હી દરવાજાથી ઈદગાહ સર્કલ થઈ અસારવાથી શાહીબાગ તરફ જઈ શકાશે. તેમજ દિલ્હી દરવાજાથી શાહપુર ચાર રસ્તા, શંકરભુવન, ગાંધી બ્રિજ, ઈનકમટેક્ષથી અવરજવર કરી શકાશે.

• રિવરફ્રન્ટ વેસ્ટ અને ઈસ્ટનો રસ્તો પણ તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ રહેશે.

નાગરિકોને વિનંતી છે કે તેઓ પોલીસ દ્વારા જાહેર કરાયેલા વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે. આ અંગેની વધુ માહિતી માટે સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે.