સત્ય. સાહસ. સંકલ્પ.

ગણેશોત્સવમાં અમદાવાદનું ધાર્મિક અર્થતંત્ર 250 કરોડ પર, 10 વર્ષમાં બજાર અઢી ગણું

ગણેશોત્સવમાં અમદાવાદનું ધાર્મિક અર્થતંત્ર 250 કરોડ પર, 10 વર્ષમાં બજાર અઢી ગણું

આજથી ગણેશ ચતુર્થીનો પવિત્ર પર્વ શરૂ થઈ રહ્યો છે. અમદાવાદમાં આ 10 દિવસમાં અંદાજે 250 કરોડ રૂપિયાનું ધાર્મિક અર્થતંત્ર ઊભું થવાની ધારણા છે. ગણેશોત્સવ હવે શ્રદ્ધાની સાથે હજારો નાના-મોટા વેપારીઓ માટે રોજગારનું માધ્યમ પણ બન્યો છે.

દાયકાઓ પહેલાં ગણેશોત્સવ એટલે ઘરના મંદિરમાં આરાધના, ડેકોરેશન, ફૂલો, મંડપ અને પરિવાર સાથેની પૂજા-અર્ચના સુધી સીમિત હતો. આજે તે માત્ર શ્રદ્ધા પૂરતો રહ્યો નથી. બાપ્પાની આરાધનાની સાથે ડેકોરેશન, ફૂલ, મંડપ, લાઈટિંગ, સાઉન્ડ સિસ્ટમ, મૂર્તિથી લઈને પ્રસાદ સુધીની આખી બજાર ધમધમી રહી છે. આ કારણે અમદાવાદમાં આ દસ દિવસમાં જ 250 કરોડનું ધાર્મિક અર્થતંત્ર ઊભું થાય છે.

સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત પાછળ ધાર્મિક કરતાં પણ મોટો રાષ્ટ્રવાદી હેતુ હતો. અંગ્રેજોના શાસનકાળમાં જાહેર મેળાવડા પર નિયંત્રણ હતું. લોકો એક જગ્યાએ એકત્ર થાય અને સ્વતંત્રતાની વાત કરે તે અંગ્રેજ સરકારને મંજૂર ન હતું. ધાર્મિક કાર્યક્રમો પર આવા પ્રતિબંધ ન હોવાથી લોકમાન્ય બાળ ગંગાધર તિલકે ગણેશોત્સવને લોકજાગૃતિનું માધ્યમ બનાવ્યું હતું. ઘરમાં થતી પૂજાને જાહેર પંડાલ સુધી લઈ જઈ લોકોને મોટા સમૂહમાં એકત્રિત કરવાની નવી પરંપરા શરૂ થઈ હતી.

આજે એ પરંપરાએ એક આખી ધાર્મિક ઈકોનોમીને જન્મ આપ્યો છે. અમદાવાદમાં નાની સોસાયટીથી લઈને મોટા પંડાલો અને કોર્પોરેટ ઓફિસો સુધી ગણેશજીની સ્થાપના કરાય છે. મૂર્તિ ખરીદવાથી લઈને મંડપ ડેકોરેશન, ફૂલના વેપારીઓ, લાઈટિંગ-સાઉન્ડવાળા, કેટરિંગ અને પ્રસાદ સાથે જોડાયેલા અનેક વ્યવસાયોને ગણેશોત્સવમાં સીધો વ્યવસાય મળે છે. બાપ્પાના આગમનથી દિવાળી પહેલાં જ બજારને મંગળ પ્રવેશ મળે છે.

દસ વર્ષ અગાઉ ગણેશોત્સવ મોટાભાગે મહારાષ્ટ્ર પૂરતો સીમિત હતો. ગુજરાતમાં કેટલાક જ વિસ્તારોમાં તેનું ચલણ હતું. તે સમયે ઉત્સવોની મર્યાદિત સંખ્યા અને ભાવવધારાના ઓછા દરના કારણે વેપાર 100 કરોડની આસપાસ હતો. આજે વધેલી ઉત્સવોની સંખ્યા અને ભાવવધારાના કારણે ગણેશોત્સવનું બજાર અઢી ગણું વધીને 250 કરોડે પહોંચ્યું છે. એક સમયે સ્વતંત્રતાની ચેતના જગાવનાર ગણેશોત્સવ આજે શ્રદ્ધાની સાથે હજારો નાના-મોટા વેપારીઓ માટે રોજગારનું માધ્યમ બન્યો છે.

પ્રસાદમાં મોદક અને મોતીચૂરના લાડુની માંગ ધૂમ છે. મોદક, મોતીચૂરના લાડુ… આ બે મીઠાઈના નામ સાંભળતાં જ પહેલો વિચાર આવે કે આ તો ગણપતિનો પ્રસાદ! ગણેશ ચતુર્થીમાં શ્રદ્ધાળુઓ સવાર-સાંજ બાપ્પાને અલગ-અલગ પ્રકારના મોદક અને મીઠાઈઓનો ભોગ ધરાવી પ્રસાદનું વિતરણ કરે છે. જેથી ગણેશ મહોત્સવ દરમિયાન મોદક, મોતીચૂરના લાડુ સહિતની મીઠાઈની માંગ વધી ગઈ હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.

દર્શનાર્થે આવતા ગ્રાહકો અને શ્રદ્ધાળુઓને રિટર્ન ગિફ્ટ તરીકે મીઠાઈનું બોક્સ આપવાનો ટ્રેન્ડ પણ શરૂ થયો છે. જેથી દીવાળીની જેમ હવે ગણેશોત્સવમાં પણ મીઠાઈની કુલ માંગમાંથી 30થી 40% ફાળો કોમર્શિયલ ક્ષેત્રનો રહે છે. દર વર્ષે મોદકમાં નવી-નવી વેરાયટી ઉમેરાઈ રહી છે. આજકાલ બજારોમાં બાપ્પાને છપ્પન ભોગ ધરાવવા 54 પ્રકારના મોદક જોવા મળે છે. જોકે દૂધ, માવો, ડ્રાયફ્રૂટ, રાંધણ ગેસ સહિતની ચીજવસ્તુઓના ભાવ વધતાં મીઠાઈના ભાવમાં પણ 15%નો વધારો જોવા મળી રહ્યો છે. એક કિલો મોદકનો ભાવ 680 રૂપિયા પહોંચી ગયો છે.

ફૂલોની માંગ સામે આવક 50% ઘટી છે, જ્યારે ભાવ દોઢ ગણા થયા છે. સોનાના મુગટ અને ચાંદીની પાટની માંગ પણ વધી છે.