અમદાવાદમાં આવનારા ગણેશ મહોત્સવ પહેલાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસે પંડાલો માટે ખાસ ગાઇડલાઇન જાહેર કરી છે. ફાયર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સંયુક્ત બેઠક બાદ આ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. તેમાં પંડાલના બાંધકામથી લઈને ઇમરજન્સી એક્ઝિટ, ઇલેક્ટ્રિક વાયરિંગ અને ફાયર સેફ્ટીના સાધનો સુધીની જોગવાઈઓ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા અને જાહેર સલામતી આ ગાઇડલાઇનનો મુખ્ય હેતુ છે.
તંત્રે સ્પષ્ટ કર્યું છે કે નિયમોનું પાલન નહીં થાય તો પોલીસ અને ફાયર વિભાગ સંયુક્ત રીતે નોટિસ આપશે, મંડપ સીલ કરશે અને બેદરકારી દાખવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરશે.
ગણેશ પંડાલ માટેના મુખ્ય ફાયર સેફ્ટી નિયમો આ પ્રમાણે છે:
સ્થળની પસંદગી: ગણેશ મંડપ કે કામચલાઉ બાંધકામ સ્કૂલ, હોસ્પિટલ, જ્વલનશીલ પદાર્થોના ગોડાઉન, ઇલેક્ટ્રિક સબ સ્ટેશન, ટ્રાન્સફોર્મર, હાઇ ટેન્શન લાઇન અને રેલવે લાઇનથી સુરક્ષિત અંતરે કરવું પડશે. ફાયર બ્રિગેડના વાહનો સરળતાથી આવી શકે તે માટે રસ્તાઓ ખુલ્લા રાખવા ફરજિયાત છે.
શ્રદ્ધાળુઓની ક્ષમતા અને બેઠક વ્યવસ્થા: પંડાલની ક્ષમતા મુજબ જ લોકોને પ્રવેશ આપવામાં આવશે. દરેક વ્યક્તિ માટે ઓછામાં ઓછી 1 ચોરસ મીટર જગ્યા રાખવી પડશે. બેઠક વ્યવસ્થામાં દર 10 હાર અને 10 બેઠકો બાદ ઓછામાં ઓછો 1.5 મીટર પહોળો પેસેજ રાખવો પડશે.
ઇમરજન્સી એક્ઝિટ અને સાઇનેજ: મંડપમાં ફિક્સ પાર્ટિશન પર પ્રતિબંધ છે. કટોકટીના સમયે લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી શકે તે માટે સામસામેની દિશામાં ઓછામાં ઓછા 2 ઇમરજન્સી એક્ઝિટ રાખવા પડશે. બહાર નીકળવાનું અંતર 15 મીટરથી વધુ ન હોવું જોઈએ. પંડાલમાં ‘નો સ્મોકિંગ ઝોન’ અને ‘એક્ઝિટ’ના સ્પષ્ટ બોર્ડ લગાવવા પડશે.
જ્વલનશીલ સામગ્રી અને સ્ટોલ પર પ્રતિબંધ: પંડાલની અંદર કોઈ પણ પ્રકારના વેપારી સ્ટોલ બનાવી શકાશે નહીં. સ્ટેજની આસપાસ કે નીચે આગ પકડે તેવા ઘન કે પ્રવાહી પદાર્થો, એલપીજી સિલિન્ડર, રસોઈ સામગ્રી કે ફટાકડા રાખવા પર સંપૂર્ણ મનાઈ છે. આ ઉપરાંત પબ્લિક એડ્રેસ સિસ્ટમ રાખવી ફરજિયાત બનાવવામાં આવી છે.
ઇલેક્ટ્રિક વાયરિંગ અને AC પંડાલ: વીજળીનું કામકાજ પ્રવર્તમાન વીજ અધિનિયમ મુજબ સરકારમાન્ય ઇલેક્ટ્રિકલ ઇજનેર પાસે ચકાસાવવું પડશે. વાયરિંગમાં PVC અથવા ટફ રબર વલ્કેનાઇઝ્ડ વાયર જ વાપરવાના રહેશે. AC પંડાલના કિસ્સામાં પરદા અને કાર્પેટ પર ફાયર રિટાર્ડન્ટ પેઇન્ટ કરાવવું ફરજિયાત છે.
24 કલાક પ્રશિક્ષિત સ્ટાફ અને સેલ્ફ ડિક્લેરેશન: ફાયર એક્સ્ટિંગ્યુશરનો ઉપયોગ કરી શકે તેવા 2 પ્રશિક્ષિત વ્યક્તિઓને 24 કલાક પંડાલમાં રાખવા પડશે. આયોજકોએ ₹300ના સ્ટેમ્પ પેપર પર નોટરાઇઝ્ડ સેલ્ફ ડિક્લેરેશન રજૂ કરવું પડશે. ત્યારબાદ ફાયર વિભાગ તરફથી સ્પેશિયલ આઇડેન્ટિફિકેશન આપવામાં આવશે. પંડાલની બહાર આયોજક અને ફાયર સ્ટાફના નંબર તેમજ ઇમરજન્સી નંબર દર્શાવવા પડશે.
500 ચોરસ મીટરથી નાના પંડાલ માટે NOCની જરૂર નથી
ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીએ જણાવ્યું કે ગણેશ ઉત્સવ માટે પોલીસ સાથે મળીને આ ગાઇડલાઇન તૈયાર કરાઈ છે અને આખરી મંજૂરી માટે કમિશનર/ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મૂકવામાં આવી છે. આયોજકોએ મુખ્ય મંજૂરી કે લાયસન્સ પોલીસ પાસેથી જ મેળવવાનું રહેશે. જો પંડાલ 500 ચોરસ મીટરથી મોટો હોય તો જ ફાયર વિભાગનું NOC લેવું પડશે. નાના પંડાલો માટે NOCની જરૂર નથી.
તેમણે વધુમાં ઉમેર્યું કે ફાયર વિભાગની ટીમ સરપ્રાઇઝ વિઝિટ કરીને ચેકિંગ કરશે. આ ધાર્મિક પ્રસંગ હોવાથી શરૂઆતના તબક્કે નિયમભંગ જણાશે તો આયોજકોને સુધારો કરવા સમજાવવામાં આવશે, પરંતુ અમલ નહીં થાય તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.