અમદાવાદ અને ગાંધીનગરમાં સોમવારે વહેલી સવારથી કાળા વાદળો છવાયા હતા અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રાજ્યના ઘણા ભાગોમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ખેડા, મહેસાણા અને અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
અમદાવાદમાં સવારે સાત વાગ્યા બાદ વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારોમાં સેટેલાઇટ, વેજલપુર, પ્રહલાદનગર, જોધપુર, ઇસ્કોન, એસ.જી. હાઇવે, એસ.પી. રિંગ રોડ, જગતપુર, ચાંદખેડા, ઝુંડાલ, ત્રાગડ અને એરપોર્ટ રોડ પર મુશળધાર વરસાદ થયો હતો. ગાંધીનગરમાં પણ વહેલી સવારથી જ પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો અને ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો.
અમદાવાદમાં માત્ર 40 મિનિટના સમયગાળામાં પશ્ચિમ વિસ્તારના ગોતા, ઓગણજ અને જગતપુરમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સાયન્સ સિટી અને ચાંદલોડિયામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. બોડકદેવ, થલતેજ, બોપલ, ઘુમા અને સરખેજ-મકરબા વિસ્તારોમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જોધપુર, સેટેલાઇટ, પ્રહલાદનગર, શિવરંજની, નવરંગપુરા, રાણીપ અને ચાંદખેડામાં પોણો ઇંચ વરસાદ થયો હતો.
રાજ્યમાં આ સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 85 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. હજુ 9 ટકા વરસાદની ઘટ છે. જિલ્લાઓની વાત કરીએ તો 17 જિલ્લામાં 12 ટકાથી લઈને 78 ટકા સુધીની ઘટ વર્તાઈ રહી છે. ભાદરવાની શરૂઆતમાં થયેલા વરસાદથી ખેતીને હાલ પૂરતો ટેકો મળ્યો છે. પરંતુ આગામી દિવસોમાં વધુ વરસાદ ન થાય તો સૌરાષ્ટ્રમાં પીવાના પાણી અંગે ચિંતા વધી શકે છે.