સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: શહેરકોટડામાં જુગારધામ પર દરોડો, 32થી 71 વર્ષના 21 જુગારી ઝડપાયા

અમદાવાદ: શહેરકોટડામાં જુગારધામ પર દરોડો, 32થી 71 વર્ષના 21 જુગારી ઝડપાયા

અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં ઘાંચીની ચાલી ખાતે પીસીબી (PCB)ની ટીમે દરોડો પાડીને જુગાર રમતા 21 લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસની અચાનક કાર્યવાહીથી જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, ઘાંચીની ચાલીના એક મકાનમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી પીસીબીની ટીમને મળી હતી. તેના આધારે ટીમે ત્યાં પહોંચીને અચાનક રેડ પાડી હતી.

રેડ દરમિયાન પોલીસે રૂ. 39,550 રોકડા, રૂ. 1.44 લાખની કિંમતના 18 મોબાઈલ, રમવાના પત્તા, જુગારના ચોપડા, કેલ્ક્યુલેટર અને આ પ્રવૃત્તિ માટે વપરાયેલું ફર્નિચર મળીને કુલ અંદાજે રૂ. 1.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

જપ્ત કરાયેલી વસ્તુઓમાં 318 છૂટા રમવાના પત્તા, 34 પત્તાના પેકેટ, રમવાના પત્તાના 432 પેકેટ, 2 નોટપેડ, હસ્તલિખિત જુગારના પોઈન્ટ ધરાવતી 47 સ્લિપ, 3 કેલ્ક્યુલેટર, 4 ટેબલ અને 17 ખુરશીઓનો સમાવેશ થાય છે.

ધરપકડ કરાયેલા 21 આરોપીઓની ઉંમર 32 થી 71 વર્ષની વચ્ચે છે. તેઓ અમદાવાદ ઉપરાંત પાલનપુર, ગાંધીનગર, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી અને ખેડા જિલ્લાના રહેવાસી છે.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં કમલેશ ઉર્ફે કમલેશ ભૈયા શર્મા (69), અજરૂદ્દીન નાગોરી (41), યુવરાજ બારોટ (44), બકુલ પટેલ (65), હાકુભાઈ સોલંકી (50), વિજય દેસાઈ (46), રફીક કાસમાણી (61), મુકેશ ત્રિવેદી (66), સ્નેહલ બારોટ (60), ઈમરાન નાગોરી (48), જયેશ પટેલ (55), નિતિન પટેલ (71), મોહમ્મદ આસિફ અંસારી (45), ઝહીર શેખ (50), નિસાર કુરેશી (50), મોહસિનખાન પઠાણ (45), વિજયસિંહ દરબાર (45), મોહમ્મદ અજરૂદ્દીન કાઝી (39), મોહમ્મદ સોયેલ શેખ (32), મોહિત ચોરસિયા (33) અને બડાભાઈ મીના (52)નો સમાવેશ થાય છે.

કેસમાં મહત્વની બાબત એ છે કે આ જુગારધામ ચલાવનાર આરોપી અલ્પેશ ઉર્ફે ટોનો પટેલ રેડ પડતાં જ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસ તેને ઝડપી પાડવા તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સરસપુર પોલીસ ચોકી નજીક કડિયાવાડનો રહેવાસી છે અને તે લિસ્ટેડ આરોપી છે. આખા મામલે શહેરકોટડા પોલીસ વધુ તપાસ કરી રહી છે.