સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના નિકોલમાં ફોર્ચ્યુનર કારે માતા-પુત્રને કચડ્યા: ચાલક વિરલ ચૌધરી દારૂ પીને ડ્રાઈવ કરતો હતો, મિત્ર ફરાર

અમદાવાદના નિકોલમાં ફોર્ચ્યુનર કારે માતા-પુત્રને કચડ્યા: ચાલક વિરલ ચૌધરી દારૂ પીને ડ્રાઈવ કરતો હતો, મિત્ર ફરાર

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી અક્ષર હોસ્પિટલ અને દેવસ્ય સ્કૂલ નજીક 2 નવેમ્બરની રાત્રે આશરે 9:30થી 9:45 વાગ્યાના અરસામાં એક લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારે ફૂટપાથ પર બે મહિલા સહિત ચાર લોકોને અડફેટે લીધા હતા. કારની જોરદાર ટક્કર બાદ એક યુવક કાર નીચે દબાઈ ગયો હતો. કાર પાછળ ખસે તેમ ન હોવાથી હાજર લોકોએ કારને ઊંચકીને યુવકને બહાર કાઢ્યો હતો.

અકસ્માતમાં ગંભીર ઈજાઓને કારણે ચણિયાચોળી વેચનાર માતા પૂનમબેન જીતેન્દ્રભાઈ નગવાડિયા અને તેમનાં 15 વર્ષીય પુત્ર સાગર નગવાડિયાના કરુણ મોત નીપજ્યાં છે. જ્યારે ખરીદી કરી રહેલા કાર્તિક વસોયા (ઉં.વ.34) અને તેમની પત્ની સ્નેહલબેન વસોયા (ઉં.વ.34) ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

હવે આ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. ફૂટપાથ પર સોફા કવર વેચતાં માતા-પુત્રને ફોર્ચ્યુનર કારથી કચડી મારનાર ચાલક વિરલ ચૌધરી અકસ્માત સમયે એકલો નહોતો; તેની સાથે કારમાં તેનો મિત્ર સાગર પણ સવાર હતો. બંને મિત્રોએ સાગરના ઘરે બિયરની મહેફિલ માણી હતી અને ત્યારબાદ જમવા નીકળ્યા હતા. જોકે, કાર ચલાવતી વખતે વિરલને નશો ઓછો લાગતાં તેણે એક હાથમાં સ્ટીયરિંગ અને બીજા હાથમાં બિયરનું કેન ખોલી ચાલુ ડ્રાઇવિંગે પીવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન કાર બેકાબૂ બની ફૂટપાથ પર ચડી ગઈ હતી. અકસ્માત સર્જાયા બાદ સાગર કારમાંથી ઉતરીને ભીડનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. હવે આ કેસમાં સાગર સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

આરોપીની ધરપકડ બાદ પૂછપરછમાં સામે આવ્યું કે વિરલ ચૌધરી અકસ્માત પહેલાં તેના મિત્ર સાગરના ઘરે ગયો હતો. ત્યાં બંનેએ સાથે બેસીને બિયરની મહેફિલ માણી હતી. મહેફિલ પતાવ્યા બાદ બંને કાર લઈને જમવા જવા માટે નીકળ્યા હતા. રસ્તામાં વિરલને દારૂ ઓછો પડ્યો હોવાથી તેણે કારમાં રાખેલા સ્ટોકમાંથી વધુ એક કેન કાઢ્યું હતું અને એક હાથથી સ્ટીયરિંગ સંભાળી બીજા હાથથી બિયર પીવાનું શરૂ કર્યું હતું. ચાલુ કારે નશો કરવાને કારણે વિરલે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો જેના કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા હતા.

અકસ્માત થતાં જ સાગર કારમાંથી નીચે ઉતરીને ત્યાંથી ભાગી ગયો હતો, જ્યારે સ્થાનિક લોકોએ સ્ટીયરિંગ પર બેઠેલા વિરલને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ તપાસમાં સાગરનું નામ ખુલતાં સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે. સાગરે વિરલ સાથે મળીને બિયર પીધી હોવાથી તેમજ કારમાં દારૂનો જથ્થો હોવાની જાણ હોવા છતાં તેને અટકાવ્યો ન હોવાથી નિકોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ તેની સામે સહ-આરોપી તરીકે ગુનો દાખલ કરવામાં આવશે.

બીજી તરફ, અકસ્માત થયો ત્યારે તે ફોર્ચ્યુનર કારની અંદર જ બેઠો હોવાથી આઇ-ડિવિઝન ટ્રાફિક પોલીસ તેને બનાવનો મુખ્ય આઈ-વિટનેસ બનાવી તેના હેઠળ નિવેદન નોંધશે. સાગરની જુબાનીથી કોર્ટમાં એ સાબિત કરવામાં મદદ મળશે કે અકસ્માત વખતે વિરલ પોતે જ ગાડી ચલાવી રહ્યો હતો અને તે ચાલુ ડ્રાઇવિંગે નશો કરી રહ્યો હતો.

તપાસમાં કારચાલક નાના ચિલોડામાં રહેતો 36 વર્ષીય વિરલ સવજીભાઈ ચૌધરી જે કારખાનેદાર હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સમયે વિરલ દારૂના નશામાં હતો અને કાર ગફલતભરી રીતે હંકારતા સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી અને નિર્દોષ લોકોને કચડી નાખ્યા હતા. મેડિકલ રિપોર્ટમાં પણ વિરલ નશામાં હોવાનું સામે આવ્યું છે અને કારમાંથી 6 બિયરના ટીન પણ મળ્યાં છે.

આ જ ફોર્ચ્યુનર કાર અગાઉ પણ બેફામ દોડતી હોવાનું સરકારી ચોપડે નોંધાયું હતું. 26 ફેબ્રુઆરી, 2026ના રોજ એસ.પી. રિંગ રોડ પર કરાઈ કટ પાસેથી કાર પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હોવાથી ટ્રાફિક પોલીસ દ્વારા તેને ઓવરસ્પીડિંગનો ઈ-મેમો ફટકાર્યો હતો. આ બેદરકાર ચાલકે આખરે નિર્દોષ લોકોનો જીવ લીધો છે.

નિકોલ અકસ્માત કેસમાં ટ્રાફિક પૂર્વ DCP નરેશ કણઝરીયાએ જણાવ્યું કે, મૃતક માતા-પુત્ર ફૂટપાથ પર સોફા કવર અને ચણીયા ચોળી વેચી રહ્યા હતા.