સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી પહેલા અમદાવાદમાં 19 ફૂડ એકમ સીલ, 21 નમૂના અપ્રમાણિત; રાજકોટમાં પનીર ફેલ

દિવાળી પહેલા અમદાવાદમાં 19 ફૂડ એકમ સીલ, 21 નમૂના અપ્રમાણિત; રાજકોટમાં પનીર ફેલ

દિવાળીના તહેવારમાં હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ભેળસેળ પર અમદાવાદ અને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે 1 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન લેવાયેલા 21 ખાદ્ય નમૂના અપ્રમાણિત જાહેર થયા છે. નિયમોનું પાલન ન કરનારા કુલ 19 એકમને સીલ કરવામાં આવ્યા છે.

કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અશરફી મટન એન્ડ ચીકન શોપના સંચાલક પાસે જરૂરી લાયસન્સ ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. રખિયાલમાં આવેલી અરમાન બેકરી પાસે પણ માન્ય લાયસન્સ નહોતું, જેથી તેના વિરુદ્ધ પગલાં લેવાયાં હતાં.

વસ્ત્રાપુરમાં ગાંઠિયા બનાવતા એકમમાં વપરાતા તેલમાં TPC (ટોટલ પોલર કમ્પાઉન્ડ)નું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધુ મળી આવ્યું હતું. આથી એ એકમ સીલ કરવામાં આવ્યું છે. એ જ રીતે નારણપુરામાં ભજીયા-પકોડા બનાવતા સેન્ટરમાં પણ તેલમાં TPCનું પ્રમાણ વધુ હોવાનું સામે આવ્યું હતું. તહેવારોમાં નાસ્તા અને તળેલી વાનગીઓની માંગ વધતી હોવાથી તેલની ગુણવત્તા પર ખાસ નજર રખાઈ રહી છે.

બીજી તરફ, રાજકોટમાં પનીરની ગુણવત્તા અંગે ચિંતાજનક વિગતો સામે આવી છે. રાજ્ય સરકારે એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂક્યો છે. એના અમલ માટે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે પનીરના વિવિધ નમૂના એકત્ર કર્યા હતા. પરીક્ષણ બાદ કેટલાક નમૂના અપ્રમાણિત અને સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે.

રાજકોટના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી ફોર્ચ્યુન ફૂડ પ્રોડક્ટમાંથી લેવાયેલા પનીરના નમૂના પરીક્ષણમાં નિષ્ફળ રહ્યા છે. પુનિતનગર મેઈન રોડ પરની શ્રી ગાયત્રી ડેરી ફાર્મ અને સામાકાંઠા વિસ્તારના સેટેલાઇટ ચોક ખાતે પ્રકાશ વરસોડા પાસેથી લેવાયેલા પનીરના નમૂનાઓ પણ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. ભગવતી ટ્રેડિંગ પ્લોટમાંથી લેવાયેલા લુઝ પનીરના નમૂના પણ પરીક્ષણમાં ફેલ થયા છે.

આ ઝુંબેશ દરમિયાન કુલ 62 પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. તપાસમાં મળી આવેલો અંદાજે 269 કિલો અખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

આ પરિણામોને પગલે તહેવારો દરમિયાન ખાસ કરીને પનીરની ખરીદી અને વપરાશમાં ગ્રાહકોએ સાવચેતી રાખવી જરૂરી બની છે. ખાદ્ય ચીજવસ્તુ ખરીદતી વખતે લાયસન્સ, ગુણવત્તા અને તાજગી તપાસવી જેવી સામાન્ય સાવધાની રાખવાથી જોખમ ઘટાડી શકાય છે.