અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ફૂડ ટીમે 1 ઑક્ટોબરથી 2 નવેમ્બર 2026 દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યપદાર્થોના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વિતરણ કરતા એકમોમાં તપાસ હાથ ધરી હતી. આ સમયગાળામાં કુલ 841 નમૂના લેવાયા હતા, જેમાંથી 27 નમૂના અપ્રમાણિત જાહેર થયા છે. આ નમૂનાઓમાં ઘી, માવો, પનીર, બટર અને સોસ જેવા ખાદ્યપદાર્થોનો સમાવેશ થાય છે.
તપાસ દરમિયાન કુલ 2,226 એકમોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. નિયમોનું ઉલ્લંઘન કરનારા 19 એકમો સામે સીલિંગ અને ક્લોઝરની કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે 660 એકમોને નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત 11.28 લાખ રૂપિયાનો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો છે.
અપ્રમાણિત જાહેર થયેલા નમૂનાઓમાં દૂધ અને દૂધની બનાવટો, મીઠાઈ, ફાફડા-જલેબી, નમકીન, બેસન-લોટ, ખાદ્યતેલ અને મસાલા સહિતના પદાર્થોનો સમાવેશ થાય છે. જેમાં ઘી, બટર, ટોમેટો સોસ, દાબેલી, પફ, પનીર, માવો, મેથી અને મીઠો માવોનો સમાવેશ થાય છે.
કેટલાક એકમોમાં ખાદ્યપદાર્થો તળવા માટે વપરાતા તેલમાં ટોટલ પોલાર કમ્પાઉન્ડ (TPC)નું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. વસ્ત્રાલ વિસ્તારના એક ગાંઠિયા એકમમાં TPCનું પ્રમાણ 32 જ્યારે નારણપુરાના પલ્લવનગર સોસાયટી વિસ્તારના એક ભજીયા-પકોડા એકમમાં 27.5 નોંધાયું હતું. બંને એકમોમાં અસ્વચ્છતાની સ્થિતિ પણ જોવા મળી હતી.
આ ઉપરાંત માન્ય FSSAI લાઇસન્સ કે રજિસ્ટ્રેશન ન હોવું, અસ્વચ્છ પરિસ્થિતિમાં ખાદ્યપદાર્થોનું ઉત્પાદન, સોસ બનાવવામાં વપરાતા મટિરિયલમાં વિસંગતતા અને વપરાયેલા તેલના નિકાલ માટે માન્ય કોન્ટ્રાક્ટ ન હોવા જેવા કારણોસર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. વટવામાં આવેલા ભારત ફૂડ એકમ સામે અગાઉ લેવાયેલા સોસના ત્રણ નમૂના અપ્રમાણિત જાહેર થયા હોવાના આધારે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
છેલ્લા એક મહિનામાં ચેકિંગ દરમિયાન કુલ 1,345 કિલોગ્રામ અને 1,289 લિટર ખાદ્યપદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. ખાદ્યતેલની ગુણવત્તા ચકાસવા માટે 614 TPC ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગે આગામી દિવસોમાં પણ ખાદ્ય ધંધાકીય એકમોમાં સ્વચ્છતા અને લાઇસન્સ-રજિસ્ટ્રેશન અંગે સઘન ચેકિંગ કરવાની જાહેરાત કરી છે. નિયમોનું પાલન ન કરતા એકમો સામે FSSAI અને GPMC એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
અપ્રમાણિત જાહેર થયેલા મુખ્ય સેમ્પલ અને એકમોમાં ગુજરાત ડેરી (દરિયાપુર)નું લુઝ ઘી, ઓમ ફૂડ સેન્ટર (સરખેજ)નું બટર (ઓછી ફેટ ટકાવારી), જનતા ફાસ્ટ ફૂડ (મણીનગર)નો ટોમેટો સોસ, શ્યામબાગ (હાથીજણ)નો મસ્કાબનનો મસ્કો, શ્રીજી દાબેલી એન્ડ વડાપાઉ (ઘાટલોડીયા)ની દાબેલી, રાધે શ્યામ પકોડી સેન્ટર (ભાડજ)નું પાણીપુરીનું પાણી, આઈ શ્રી ખોડિયાર ગૃહ ઉદ્યોગ (ગોતા)નું બટાકા/ટોમેટો પેસ્ટ (સબસ્ટાન્ડર્ડ) અને ફ્રૂટ ક્રશ (અનસેફ), MJF FOOD (બહેરામપુરા)નું સ્નેક ટોચઅપ (સબસ્ટાન્ડર્ડ + અનસેફ), સુરતી લાઇવ ઢોકળા (નિકોલ)નું બટર, વિજય ડેરી (વસ્ત્રાલ)નું લુઝ ઘી, તુલસી માવા સેન્ટર (અસારવા)નું ગાયનું ઘી અને કનૈયાલાલ માવાવાળા (સરસપુર)નો મીઠો માવો સામે કાર્યવાહી કરવામાં આવી છે.