સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ ફૂડ વિભાગની કાર્યવાહી: ત્રણ એકમ સીલ, 2,570 કિલો ખાદ્ય પદાર્થ અટકાવ્યો

અમદાવાદ ફૂડ વિભાગની કાર્યવાહી: ત્રણ એકમ સીલ, 2,570 કિલો ખાદ્ય પદાર્થ અટકાવ્યો

અમદાવાદ ફૂડ સેફ્ટી વિભાગે તહેવારો પહેલાં શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. તપાસ દરમિયાન સ્વચ્છતા અને હાઇજીનના નિયમોનો ભંગ કરવા બદલ નવરંગપુરાની બોમ્બે બિરયાની, કાલુપુરની રોયલ ડેરી એન્ડ સ્વીટ્સ અને ગોતાની આઇશ્રી ખોડિયાર ગૃહ ઉદ્યોગને સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કુલ 2,570 કિલો જેટલો ખાદ્ય જથ્થો સ્થગિત કરી વેચાણથી દૂર રાખવામાં આવ્યો છે.

ગોતા ખાતેના આઇશ્રી ખોડિયાર ગૃહ ઉદ્યોગમાં તપાસ દરમિયાન અસ્વચ્છ રીતે ખાદ્ય પદાર્થો તૈયાર કરવામાં આવતા હોવાનો મામલો સામે આવ્યો હતો. ફૂડ વિભાગે અહીંથી ખજૂર-આંબલીની ચટણી, ફ્રૂટ સ્ક્વોશ અને ફ્રૂટ શરબતના નમૂના લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. સાથે જ અંદાજે 2,015 કિલો જથ્થો, જેની કિંમત આશરે 70 હજાર રૂપિયા છે, તે સ્થગિત કરવામાં આવ્યો છે. ફૂડ વિભાગના એડિશનલ મેડિકલ ઓફિસરના જણાવ્યા મુજબ, આ એકમનો માલિક વડાપાઉં અને દાબેલીની લારીઓ પર ખુલ્લો સોસ સપ્લાય કરતો હતો. આ સોસ અનહાઇજેનિક રીતે તૈયાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ છે અને તેને ટોમેટો ચટણી તરીકે વેચવામાં આવતો હતો. લારીઓ પર પણ તેનો ઉપયોગ ટોમેટો સોસ તરીકે થતો હોવાનું સામે આવ્યું છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

માધુપુરા ગંજ બજારમાંથી અગાઉ લેવામાં આવેલા રામસન્સ દેશી ઘીના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ સબ-સ્ટાન્ડર્ડ આવ્યો હતો. આ રિપોર્ટના આધારે વેચાણ માટે રાખવામાં આવેલા 15 કિલોના 37 ટીન એટલે કે કુલ 555 કિલો ઘીનો જથ્થો વેચાણથી દૂર રાખવા માટે સ્થગિત કરવામાં આવ્યો છે. આ જથ્થાની અંદાજિત કિંમત 3.51 લાખ રૂપિયા હોવાનું જણાવાયું છે. તેજસ શાહે જણાવ્યું હતું કે, લેબોરેટરી તપાસમાં ઘી સબ-સ્ટાન્ડર્ડ જાહેર થતાં તેનો જથ્થો પણ અટકાવવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયેલા ઘીનું સેવન આરોગ્ય માટે જોખમી બની શકે છે.

ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તમામ ખાદ્ય વેપારીઓ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરો માટે માન્ય FSSAI લાઇસન્સ અથવા રજીસ્ટ્રેશન મેળવવું ફરજિયાત છે. આ ઉપરાંત શેડ્યૂલ-4 મુજબ સ્વચ્છતા જાળવવી, કામદારોની વ્યક્તિગત સફાઈ રાખવી, ખાદ્ય પદાર્થોને માખી અને ધૂળથી બચાવવા તેમજ યોગ્ય સંગ્રહની વ્યવસ્થા રાખવી જરૂરી છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે સીલિંગ, ખાદ્ય જથ્થો સ્થગિત કરવા અને નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ કરાવવા સહિતની કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.