અમદાવાદમાં દિવાળીના તહેવાર પહેલાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ભેળસેળ અંગે કોર્પોરેશનના ફૂડ વિભાગે તપાસ શરૂ કરી છે. તાજેતરમાં માવાનો જથ્થો અટકાવવા અને મોટી માત્રામાં નકલી ટોમેટો સોસ જપ્ત કરવાની કાર્યવાહી બાદ હવે ફરસાણ બનાવવામાં વપરાતા તેલની ગુણવત્તા ચકાસવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરતાં બે એકમોને સીલ કરવામાં આવ્યાં છે.
સરખેજના ઉજાલા સર્કલ પાસે આવેલા સૌરાષ્ટ્ર ભજીયા ઍન્ડ ગાંઠિયા અને માધુપુરામાં ગંજ બજારની સામે આવેલી ગાયત્રી ચવાણા માર્ટ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.
કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગની ટીમે બંને એકમોમાં તપાસ કરતાં FSSAIનું લાઇસન્સ કે રજિસ્ટ્રેશન વગર ધંધો થતો હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત, ત્યાં કામ કરતા કારીગરો ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમો મુજબ કેપ, એપ્રન, માસ્ક અને હેન્ડ ગ્લોવ્સનો ઉપયોગ કરતા ન હતા. સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવા માટેની જોગવાઈઓનું પણ પાલન થતું ન હોવાનું તપાસમાં જણાયું હતું.
સરખેજના સૌરાષ્ટ્ર ભજીયા ઍન્ડ ગાંઠિયા એકમમાં ફરસાણ તળવા માટે વપરાતા તેલનો TPC 25 ટકાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, વપરાશ બાદ વધેલા તેલના યોગ્ય નિકાલ માટે ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત એજન્સી સાથે કરાર પણ કરવામાં આવ્યો ન હતો. એકમમાં FSSAI લાઇસન્સ કે રજિસ્ટ્રેશન ન હોવા ઉપરાંત કારીગરો દ્વારા સ્વચ્છતાનાં જરૂરી સાધનોનો ઉપયોગ ન થતો હોવાથી તેને સીલ કરવામાં આવ્યું હતું.
માધુપુરામાં ગંજ બજારની સામે આવેલી ગાયત્રી ચવાણા માર્ટની તપાસમાં પણ FSSAIનું લાઇસન્સ કે રજિસ્ટ્રેશન વગર ધંધો થતો હોવાનું જણાયું હતું. અહીં કામ કરતા કારીગરો કેપ, એપ્રન, માસ્ક અને હેન્ડ ગ્લોવ્સનો ઉપયોગ કરતા નહોતા. ઉપરાંત, FSSAIની શેડ્યૂલ-4 મુજબ સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવા માટેના નિયમોનું પાલન ન થતું હોવાથી એકમને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગે શહેરના તમામ મીઠાઈ અને ફરસાણ ઉત્પાદકો, પેકેજ્ડ ફૂડ ઉત્પાદકો તથા અન્ય ખાદ્ય ધંધાકીય એકમોને ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે. ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને સંગ્રહ માટે સ્વચ્છ વાતાવરણ જાળવવા, ઉત્પાદનમાં વપરાતી સામગ્રીની ગુણવત્તા જાળવવા તેમજ કારીગરો પાસે કેપ, એપ્રન, માસ્ક અને હેન્ડ ગ્લોવ્સનો ઉપયોગ કરાવવા સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત, પેકેજ્ડ ખાદ્ય પદાર્થોનું પેકેજિંગ અને લેબલિંગ પ્રવર્તમાન નિયમો મુજબ કરવા જણાવાયું છે. દરરોજ 50 કિલોથી વધુ ખાદ્ય તેલનો વપરાશ કરતા એકમોએ વપરાયેલા તેલના યોગ્ય નિકાલ માટે માન્યતા પ્રાપ્ત એજન્સી સાથે કરાર કરીને તેનો અમલ કરવો જરૂરી છે. દિવાળીના તહેવારો દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતા એકમોમાં તપાસ ચાલુ રાખવામાં આવશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 તથા તેના નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે દંડ અને સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.