સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: તહેવારો પછી ફૂડ વિભાગનો રિપોર્ટ, 141 નમૂનામાંથી 4 અનસેફ, સવાલો ઉઠ્યા

અમદાવાદ: તહેવારો પછી ફૂડ વિભાગનો રિપોર્ટ, 141 નમૂનામાંથી 4 અનસેફ, સવાલો ઉઠ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે 1 થી 16 નવેમ્બર દરમિયાન શહેરના વિવિધ ઝોનમાં 479 ખાદ્ય ધંધાકીય એકમોની તપાસ કરી હતી. આ તપાસ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ હાથ ધરવામાં આવી હતી, જેમાં મીઠાઈ, નમકીન, દૂધ અને દૂધની બનાવટો, મુખવાસ અને બેકરી પ્રોડક્ટ્સના નમૂના લેવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન 2,832 કિલોગ્રામ બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયેલા 141 નમૂનાઓમાંથી 3 નમૂના સબસ્ટાન્ડર્ડ અને 1 નમૂનો અનસેફ જાહેર થયો છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા 148 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે અને વેપારીઓ પાસેથી કુલ 4.34 લાખ રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.

આંબાવાડીમાં આવેલી વિવેક ચાઇના ટાઉન-લારીમાંથી લેવાયેલો લો ફેટ પનીરનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જણાયો હતો. માણેકચોકમાં પટેલ ચતુરભાઈ શીવરામ પાસેથી લેવાયેલો મીઠો માવો અને વટવાના શિવ શક્તિ ચવાણા એન્ડ સ્વીટ માર્ટમાંથી લેવાયેલું મિક્ષ ચવાણું પણ ગુણવત્તાની કસોટીમાં નિષ્ફળ રહ્યાં હતાં. કાલુપુરની એચ.એમ. વરખવાલા પ્રા.લી.માંથી લેવાયેલો સિલ્વર લીવ્સ (ચાંદીના વરખ)નો નમૂનો અનસેફ જાહેર થયો હતો.

ફૂડ વિભાગે 322 લિટર બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો પણ નાશ કર્યો હતો અને ખાદ્યતેલની ગુણવત્તા ચકાસવા માટે 115 TPC ટેસ્ટ કરવામાં આવ્યા હતા. વિભાગે વેપારીઓને ભ્રામક વેચાણ સામે ચેતવણી આપી છે, જેમાં મેનુ કાર્ડ, ડિસ્પ્લે બોર્ડ, ઓનલાઇન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ અને બિલમાં દર્શાવાતા નામ અને વાસ્તવિક વસ્તુ વચ્ચે તફાવત હોવાની શક્યતા સામે ચેતવણી આપવામાં આવી છે. ઉદાહરણ તરીકે, આઇસ્ક્રીમના નામે વનસ્પતિ ચરબીવાળું ફ્રોઝન ડેઝર્ટ, ચીઝના નામે વનસ્પતિ ચરબી આધારિત વિકલ્પ અને બટરના નામે વનસ્પતિ ચરબી વેચવા અંગે ચેતવણી આપવામાં આવી છે.

તહેવારોની મોસમ પૂરી થયા બાદ આ રિપોર્ટ સામે આવતાં ગ્રાહકોમાં પ્રશ્ન ઊઠ્યો છે કે શું તહેવારો દરમિયાન લોકોએ અખાદ્ય અને ભેળસેળયુક્ત વસ્તુઓ આરોગી લીધી? લેબોરેટરીના રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ અને અનસેફ જાહેર થયેલા નમૂનાઓ તેમજ ભ્રામક વેચાણની ચેતવણી એ બાબત તરફ ઈશારો કરે છે કે તહેવારો પૂરા થયા પછી થતી આવી જાહેરાતોથી ગ્રાહકોના સ્વાસ્થ્યને થયેલું નુકસાન કેવી રીતે ભરપાઈ થશે?