અમદાવાદમાં દિવાળીના તહેવારો પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગે શહેરમાં ખાદ્યપદાર્થો બનાવતા, રાખતા અને વેચતા એકમોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. આ તપાસમાં બે એકમ સીલ કરાયા છે અને ચાર દુકાનો પાસેથી કુલ 40 હજાર રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.
નારણપુરાની પલ્લવ નગર સોસાયટીમાં આવેલી ભજીયા-પકોડાની દુકાનમાં તળવા માટે વપરાતા તેલનું ટેસ્ટિંગ કરાયું હતું. તેમાં TPC (ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ)નું પ્રમાણ 27.5 જણાયું હતું. જાહેર આરોગ્યની દૃષ્ટિએ તળવાના તેલની ગુણવત્તા જાળવવી જરૂરી હોવાથી વિભાગે આ દુકાન તાત્કાલિક અસરથી સીલ કરી હતી.
બીજી કાર્યવાહી વટવાના નીલકંઠ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં આવેલા ભારત ફૂડ એકમ સામે થઈ હતી. આ એકમમાંથી અગાઉ લેવાયેલા સોસના ત્રણ નમૂના ફૂડ એનાલિસિસ લેબોરેટરીના અહેવાલમાં અપ્રમાણિત જાહેર થયા હતા. તેના આધારે કાયદેસરની કાર્યવાહી કરીને એકમને સીલ કરવામાં આવ્યો હતો.
વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા 18 એકમોમાંથી મીઠાઈ, ફરસાણ અને અન્ય ખાદ્યપદાર્થોના 23 શંકાસ્પદ નમૂના લીધા છે. આ નમૂનાઓમાં દૂધનો હલવો, બેસન, શક્કરપારા, મિલ્ક કેક, બરફી, બેસનના લાડુ, કાજુ કતરી, મૈસૂર, મગજ, કાજુ કલશ, પેંડા, ટોપરાપાક, મોહનથાળ, ચવાણું, મીઠો માવો અને દાળમૂઠનો સમાવેશ થાય છે. આ બધા નમૂના લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલ્યા છે. અહેવાલ મળ્યા બાદ તેમાં દર્શાવાયેલા તારણો અનુસાર સંબંધિત એકમો સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ગ્રાહકો પોતે પણ ખાદ્યપદાર્થોની પ્રાથમિક ગુણવત્તા ચકાસી શકે તે માટે મીઠાઈ-ફરસાણના એકમોમાં ટેસ્ટિંગ કિટ ઉપલબ્ધ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી હતી. જોધપુરમાં આવેલ અંબિકા સ્વીટ એન્ડ ફરસાણ, વસ્ત્રાલમાં આવેલ ગોપી ડેરી એન્ડ સ્વીટ, નરોડામાં આવેલ અંબીકા સ્વીટ એન્ડ ફરસાણ અને નારણપુરામાં આવેલ પંજરી મીઠાઈ — આ ચાર એકમોમાં ટેસ્ટિંગ કિટ ન હોવાનું સામે આવ્યું હતું. આ ચારેય એકમો પાસેથી કુલ 40 હજાર રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.