સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં તહેવારી તપાસ: માધુપુરાથી 1,140 કિલો સબ-સ્ટાન્ડર્ડ ઘી જપ્ત, 3 એકમ સીલ

અમદાવાદમાં તહેવારી તપાસ: માધુપુરાથી 1,140 કિલો સબ-સ્ટાન્ડર્ડ ઘી જપ્ત, 3 એકમ સીલ

અમદાવાદમાં તહેવારોના સમયગાળા દરમિયાન ખાદ્ય પદાર્થોમાં મિલાવટ અને ગુણવત્તા અંગે એએમસીના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના માધુપુરા, વટવા, વેજલપુર અને ચાંદલોડિયા વિસ્તારમાં તપાસ દરમિયાન સબ-સ્ટાન્ડર્ડ ઘી, લાઇસન્સ વગરનું ઉત્પાદન, અસ્વચ્છ પરિસ્થિતિ અને નમકીનમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરના ઉપયોગ સહિતની બાબતો સામે આવી છે.

સમગ્ર કાર્યવાહીમાં કુલ 3,806 કિલો ખાદ્ય જથ્થો વેચાણથી અટકાવવામાં આવ્યો છે, જેની કુલ કિંમત આશરે રૂ. 9.22 લાખ હોવાનું સામે આવ્યું છે.

માધુપુરામાં 1,140 કિલો ઘીનો જથ્થો સ્થગિત

એએમસીના ફૂડ વિભાગની તપાસ દરમિયાન માધુપુરા વિસ્તારમાં આવેલા મહાવીર ઘી ભંડારમાંથી 1,140 કિલો ઘીનો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો છે. તપાસમાં રામસન્સ અને નોવા ઘીના સેમ્પલ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થતાં તંત્ર દ્વારા નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તહેવારો દરમિયાન ઘી અને અન્ય ખાદ્ય સામગ્રીની માંગ વધતી હોવાથી ફૂડ વિભાગ દ્વારા આવા ઉત્પાદનોની ગુણવત્તા ચકાસવામાં આવી રહી છે.

વટવામાં લાયસન્સ વગર ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન

વટવા વિસ્તારમાં આવેલા એમ.એમ. ફૂડ પ્રોડક્ટ્સ સામે પણ એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તંત્રના જણાવ્યા મુજબ અહીં લાઇસન્સ વગર તેમજ અસ્વચ્છ સ્થિતિમાં ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરવામાં આવતું હતું. તપાસ દરમિયાન 2,516 કિલો સોસ, ચટણી અને કોર્ન ફ્લોરનો જથ્થો વેચાણથી અટકાવવામાં આવ્યો છે. નિયમોના ભંગને પગલે એકમને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

વેજલપુરમાં નમકીનમાં પ્રતિબંધિત કલરનો ઉપયોગ

વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રી માતેશ્વરી ચવાણા એન્ડ સ્વીટ માર્ટ સામે પણ ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન નમકીન બનાવવામાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે તંત્રએ એકમને સીલ કરીને આશરે 150 કિલો નમકીનનો જથ્થો વેચાણથી અટકાવ્યો છે.

ચાંદલોડિયામાં ગુજરાત ફ્રાય સેન્ટર સીલ

ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા ગુજરાત ફ્રાય સેન્ટર સામે પણ એએમસીના ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે. અહીં લાઇસન્સ વગર અને અસ્વચ્છ સ્થિતિમાં ખાદ્ય વ્યવસાય કરવામાં આવતો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. નિયમોના પાલન અંગે ખામી જણાતા તંત્ર દ્વારા એકમને સીલ કરવામાં આવ્યો છે.

તહેવારોમાં ફૂડ સેફ્ટીને લઈને તંત્ર સતર્ક

તહેવારો દરમિયાન મીઠાઈ, નમકીન, ઘી, સોસ-ચટણી સહિતના ખાદ્ય પદાર્થોની ખરીદીમાં વધારો થાય છે. આ દરમિયાન ભેળસેળ અથવા હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોનું વેચાણ ન થાય તે માટે એએમસીના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં તપાસ વધુ કડક બનાવવામાં આવી છે. તાજેતરની કાર્યવાહીમાં એકસાથે ત્રણ એકમોને સીલ કરવામાં આવ્યા છે અને હજારો કિલો ખાદ્ય જથ્થો વેચાણથી અટકાવવામાં આવ્યો છે. તંત્રની આ કાર્યવાહીથી તહેવારોના સમયે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે વેપારીઓમાં પણ સતર્કતા વધવાની શક્યતા છે.