અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા ચકાસવા માટે ઝુંબેશ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ઘીમાં ભેળસેળ, રસોડામાં અસ્વચ્છતા, વપરાયેલા તેલમાં નિયત મર્યાદાથી વધુ પ્રમાણમાં ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ (TPC) અને એક્સપાયર્ડ ખાદ્ય પદાર્થો મળી આવતાં કુલ 4 ખાદ્ય એકમોને સીલ કરવામાં આવ્યા છે.
શહેરના ચાણપુર વિસ્તારમાં આવેલા શ્રીજી ડેરી પાર્લરમાં તપાસ દરમિયાન ચોખ્ખા ઘીના નામે વેજીટેબલ ફેટ વેચવામાં આવતું હોવાની શંકા સામે આવી હતી. અગાઉ લેવામાં આવેલા ઘીના નમૂનામાં પણ વેજીટેબલ ફેટ મળી આવ્યું હતું. આ મામલે ડેરી પાર્લરને સીલ કરવામાં આવ્યું હતું.
જુહાપુરા વિસ્તારમાં આવેલી મજલિસ રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન રસોડામાં સ્વચ્છતાની યોગ્ય વ્યવસ્થા ન હોવાનું જણાયું હતું. ફૂડ સેફ્ટીના શેડ્યુલ-4 મુજબ હાઇજીન અને સેનિટેશનના નિયમોનું પાલન ન થતું હોવાથી રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી હતી.
ઇસનપુર વિસ્તારમાં આવેલા રાજસ્થાન દાળવડા સેન્ટરમાં વપરાયેલા રસોઈના તેલની તપાસ કરવામાં આવતા તેમાં TPCનું પ્રમાણ 32.1% નોંધાયું હતું. નિયમ મુજબ વપરાયેલા રસોઈના તેલમાં TPCનું પ્રમાણ 25%થી વધુ હોય તો તેનો ખાદ્ય પદાર્થો બનાવવા માટે ઉપયોગ કરી શકાતો નથી. આ મામલે એકમને સીલ કરવામાં આવ્યું હતું.
રાણીપ વિસ્તારમાં આવેલા શાંતિનાથ જૈન ગૃહ ઉદ્યોગમાં મળેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્યાં એક્સપાયર્ડ ખાદ્ય પદાર્થો મળી આવતાં એકમને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ખાદ્ય એકમોમાં તપાસ ચાલુ રાખવામાં આવશે. તપાસ દરમિયાન FSSAI લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશન, સ્વચ્છતા અને સેનિટેશન, ખાદ્ય પદાર્થોના સંગ્રહની વ્યવસ્થા, એક્સપાયર્ડ ખાદ્ય પદાર્થો તથા રસોઈના તેલની ગુણવત્તા સહિતની બાબતો ચકાસવામાં આવશે. તંત્ર દ્વારા ખાદ્ય એકમોને વપરાયેલા રસોઈના તેલનો યોગ્ય રીતે નિકાલ કરવા અને તેના ઉપયોગ તથા નિકાલનો રેકોર્ડ જાળવવા પણ સૂચના આપવામાં આવી છે. ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું પાલન નહીં કરનાર એકમો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.