સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં ભેળસેળ સામે કાર્યવાહી: માધુપુરામાં 1180 કિલો ઘી જપ્ત, વટવામાં સોસ બનાવવા કોળુનો ઉપયોગ

અમદાવાદમાં ભેળસેળ સામે કાર્યવાહી: માધુપુરામાં 1180 કિલો ઘી જપ્ત, વટવામાં સોસ બનાવવા કોળુનો ઉપયોગ

અમદાવાદ: શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ વિભાગે કથિત ભેળસેળ અને અસ્વચ્છતા સામે કાર્યવાહી કરી છે. જેમાં માધુપુરા, વટવા, વેજલપુર અને ચાંદલોડિયામાં અલગ-અલગ એકમો સામે પગલાં લેવાયાં છે.

માધુપુરામાં આવેલી અડવાણી માર્કેટ સ્થિત મહાવીર ઘી ભંડારમાંથી લેવાયેલા ઘીના નમૂના સબસ્ટાન્ડર્ડ મળ્યા છે. અગાઉ તપાસ માટે લેવાયેલા 'રામસન્સ' દેશી ઘી અને 'નોવા' શુદ્ધ ઘીના નમૂનાઓ તપાસમાં નાકામી પામ્યા હતા. ત્યારબાદ ફૂડ વિભાગે ત્યાંથી 15 કિલોના 79 ટીન સહિત કુલ 1180 કિલો ઘી જપ્ત કર્યું છે, જેની કિંમત લાખોમાં હોવાનું અનુમાન છે.

વટવાના ગ્રીન પાર્ક પાસે અલ અક્સનગરમાં ટોમેટો સોસ સહિત ખાદ્ય પદાર્થો બનાવતા એમ.એસ. ફૂડ પ્રોડક્ટ્સમાં છાપો મારતાં ભારે ગંદકી અને પેકેજિંગ નિયમોના ભંગના પુરાવા મળ્યા. આ એકમ FSSAIનું લાયસન્સ લીધા વગર ચાલી રહ્યો હતો. અહીંથી સોયા સોસ, ચીલી સોસ, ચટણી, કોળુ અને કોર્ન ફ્લોર સહિત 2516 કિલો જથ્થો જપ્ત કરી એકમ સીલ કરાયું છે.

વેજલપુર ગામમાં બુટભવાની મંદિર પાસે આવેલી માતૃશ્રી ચવાણા એન્ડ સ્વીટ માર્ટમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલર વાપરી નમકીન બનાવવામાં આવતું હોવાનું જણાયું હતું. ફૂડ વિભાગે ત્યાંથી 150 કિલો નમકીન જપ્ત કરી દુકાન સીલ કરી દીધી છે.

ચાંદલોડિયામાં વિશ્વકર્મા મંદિર રોડ પર આવેલા ગુજરાત ફ્રાય સેન્ટરમાં પણ FSSAIનું લાયસન્સ અથવા રજિસ્ટ્રેશન વગર કામ ચાલી રહ્યું હતું. જાહેર આરોગ્ય માટે જોખમી બની શકે તેવી અસ્વચ્છ સ્થિતિના કારણે આ એકમને સીલ કરી દેવાયું છે.

ફૂડ વિભાગનું કહેવું છે કે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે નિયમિત દરોડા ચાલુ છે અને જેમની સામે ફરિયાદ હોય તેઓ લેખિતમાં જાણ કરી શકે છે.