અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે લાંભાના પીપળજ રોડ પર આવેલા 'મમતા એગ્રો પ્રોટીન' એકમ પર દરોડો પાડ્યો છે. આ એકમ પર જૂના અને વપરાયેલા ડબ્બામાં ખાદ્યતેલ ભરીને ગેરકાયદેસર વેચાણ કરવાનું કારસ્તાન ચાલતું હતું.
ફૂડ વિભાગની તપાસમાં સામે આવ્યું કે આ એકમ દ્વારા છત્રાલથી ટેન્કરમાં સોયાબીન, કપાસિયા અને પામ તેલ મંગાવવામાં આવતું હતું. ત્યારબાદ આ તેલને અલગ-અલગ બ્રાન્ડના નામે જૂના ડબ્બામાં ભરીને બજારમાં વેચવામાં આવતું હતું.
દરોડા દરમિયાન સ્થળ પરથી આશરે રૂ. 3.75 લાખની કિંમતના 175 ભરેલા ટિન અને 300 જેટલા ખાલી વપરાયેલા ડબ્બા મળી આવ્યા હતા. ફૂડ સેફ્ટી ઓફિસર ડૉ. તેજસ શાહના જણાવ્યા અનુસાર, સ્થળ પરથી 'રાજહંસ' અને 'કપાસ' નામની બ્રાન્ડના લેબલ મળી આવ્યા હતા, પરંતુ આ લેબલ ટ્રેડમાર્ક કરાયેલા નહોતા. ઉપરાંત, આ ખાદ્યતેલ કયા સ્થળોએ અને ક્યાં વેચવામાં આવે છે તેનો કોઈ પણ પ્રકારનો અધિકૃત રેકોર્ડ પણ જાળવવામાં આવ્યો ન હતો. પેકિંગમાં ગંભીર ખામીઓ અને અનિયમિતતા જોવા મળતાં ભરેલા ડબ્બાઓનું વેચાણ તાત્કાલિક ધોરણે સ્થગિત કરાવી દેવામાં આવ્યું હતું.
વેપારી દ્વારા નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવા અને સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેષ્ટા કરવા બદલ ફૂડ વિભાગે કડક પગલાં લીધાં છે. એકમને સીલ કરવાની સાથે તેનું FSSAI લાયસન્સ રદ કરવા માટેની આગળની કાનૂની કાર્યવાહી પણ સત્તાવાર રીતે હાથ ધરવામાં આવી છે.