સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ ફ્લાવર શો 2027: 8 કરોડના ફૂલછોડ, 50 કોમર્શિયલ સ્ટોલ સાથે બિઝનેસ સમિટ

અમદાવાદ ફ્લાવર શો 2027: 8 કરોડના ફૂલછોડ, 50 કોમર્શિયલ સ્ટોલ સાથે બિઝનેસ સમિટ

અમદાવાદમાં આવતા વર્ષે યોજાનારા ફ્લાવર શો 2027ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 8.42 લાખ ફૂલછોડ સહિત કુલ 8 કરોડ રૂપિયાના ખર્ચે ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

રિવરફ્રન્ટ પર જાન્યુઆરી મહિનામાં યોજાનારા આ શોમાં મુલાકાતીઓની સંખ્યા વધારવા અને આવક ઊભી કરવા માટે 50 જેટલા કોમર્શિયલ સ્ટોલ અને એક બિઝનેસ સમિટનું આયોજન કરાશે.

ફ્લાવર શો માટે સૌપ્રથમ 6.44 કરોડ રૂપિયાના ખર્ચે જાસૂદ, ઓર્કિડ, સૂર્યમુખી, ટ્યુલિપ અને લિલી જેવા રંગબેરંગી સીઝનલ અને વિદેશી ફૂલછોડ તેમજ તેની કેવિટી ટ્રે ખરીદવામાં આવશે. ઉપરાંત ડિસ્પ્લે એરિયા માટે માટી, નદીની કાંપ, ગ્રીન મોસ અને કોકોપીટ પણ ખરીદાશે.

આ વખતે ગાર્ડનિંગની કામગીરી માટે 3,000 જેટલા લોકોને સોંપવામાં આવશે. આગામી ફ્લાવર શો પાછળ 20 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર વર્ષમાં ફ્લાવર શોનો ખર્ચ 11 કરોડથી વધીને 22 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે, પરંતુ સામે મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

વર્ષ 2026માં અગાઉના વર્ષ કરતાં બે કરોડ રૂપિયા વધુ ખર્ચ થયા હોવા છતાં મુલાકાતીઓની સંખ્યામાં બે લાખનો ઘટાડો થયો હતો. એકંદરે ખર્ચ સામે મ્યુનિસિપલ કોર્પોરેશનને માંડ 50 ટકા આવક થાય છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વખતે ફ્લોર શોને સફળ બનાવવા માટે ખેતી સાથે જોડાયેલી વિવિધ કંપનીઓને 50થી વધુ સ્ટોલ ભાડે આપવામાં આવશે. આ સ્ટોલ પર નર્સરી બીજ, હાઇબ્રિડ બીજ સહિતની વસ્તુઓનું વેચાણ થશે. સાથે જ બાગાયત ખેતી અને અર્બન ફાર્મિંગને લગતા વિષયો પર બિઝનેસ સમિટ, સેમિનાર અને કોન્ફરન્સનું આયોજન કરાશે.