અમદાવાદમાં દિવાળી અને લાભપાંચમ નજીક આવતાં ફૂલ બજારમાં ભારે ધમાલ જોવા મળે છે. હોલસેલ બજારમાં પીળા ગલગોટાનો ભાવ ₹50 પ્રતિ કિલો અને ગુલાબનો ભાવ ₹200 પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે. ભાવમાં વધારો હોવા છતાં તહેવારની જરૂરિયાતને કારણે લોકો ખરીદી કરવા મજબૂર છે.
નવરાત્રીમાં ઊંચા ભાવો અને ઓછી માંગને કારણે જે ફૂલો કચરામાં ફેંકવાની ફરજ પડી હતી, તે જ બજારમાં હવે તહેવારોના આગમન સાથે તેજીનો માહોલ છે. દશેરા સુધી મંદી રહ્યા બાદ હવે બજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.
બજારમાં અન્ય રાજ્યોમાંથી આયાત થતા મોટા કદના ફૂલોની પણ વિશેષ માંગ છે. આ ફૂલોમાં કુદરતી સુગંધ ભલે ન હોય, પણ તેમનો આકર્ષક દેખાવ ગ્રાહકોને આકર્ષે છે.
આ વર્ષે ધરો (દૂર્વા) ની માંગ પણ ખૂબ વધી છે. દિવાળીમાં ગણેશજીને દૂર્વા અર્પણ કરવાનું વિશેષ મહત્ત્વ હોવાથી લોકો મોટી સંખ્યામાં ધરો ખરીદી રહ્યા છે.
અમદાવાદના ફૂલ બજારમાં રોજ 100થી વધુ નાના-મોટા ટેમ્પો માલ લઈને આવે છે. આ હોલસેલ બજારમાંથી છૂટક વેપારીઓ ફૂલો ખરીદીને શહેરના જુદા જુદા વિસ્તારોમાં રેકડીઓ સજાવે છે. બજારના ઓટલાઓ પર વેપારીઓ અને તેમના પરિવારજનો રાત-દિવસ હાર-માળા અને ફૂલોના તોરણ બનાવવામાં વ્યસ્ત જોવા મળે છે.