સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: નવરાત્રિ બાદ ફૂલબજારમાં ભારે મંદી, ખેડૂતો-વેપારીઓ ફૂલો કચરામાં ફેંકવા મજબૂર

અમદાવાદ: નવરાત્રિ બાદ ફૂલબજારમાં ભારે મંદી, ખેડૂતો-વેપારીઓ ફૂલો કચરામાં ફેંકવા મજબૂર

અમદાવાદના જમાલપુર ફૂલ બજારમાં તહેવારોની ઋતુમાં ફૂલોના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. નવરાત્રિ પૂર્ણ થતાં જ ફૂલોની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે વેપારીઓએ મોટા જથ્થામાં ફૂલો કચરામાં ફેંકી દેવા પડ્યા છે.

બજારના સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, ગુલાબ સિવાયના અન્ય ફૂલો, ખાસ કરીને પીળા ફૂલો, હાલમાં 5થી 10 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. આ ભાવ ખેડૂતો અને નાના વેપારીઓ માટે નફાકારક નથી, તેથી તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે.

ફૂલ બજાર કમિટીના સભ્ય નિમેષ મોદીએ જણાવ્યું કે, "નવરાત્રિ પર્વ પૂર્ણ થતાં જ ફૂલોના ભાવમાં ખૂબ જ મંદી આવી છે. જે ફૂલ નવરાત્રિમાં 40-50 રૂપિયા કિલો હતા, તે આજે 5થી 10 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. ઓવરઓલ દરેક ફૂલોનું બજાર મંદ પડી ગયું છે. જો કે, ગુલાબના ફૂલોમાં તેજી છે. ગુલાબ અત્યારે પણ 300થી 400 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. શરદ પૂર્ણિમા નજીક છે, તેમ છતાં ભાવમાં કોઈ વધારો જોવા મળ્યો નથી."

દશેરા પર્વે પણ લોકોએ તેમના વાહનો પર માત્ર કુમકુમના સાથિયા જ કર્યા હતા, ફૂલોના હાર ઓછા જોવા મળ્યા હતા. આ દર્શાવે છે કે ફૂલોની માંગમાં ઘટાડો થયો છે.

આ સ્થિતિ ખેડૂતો અને નાના વેપારીઓ માટે ચિંતાજનક છે, જેમની આજીવિકા ફૂલોની ખેતી અને વેચાણ પર નિર્ભર છે. બજારમાં મંદીના કારણે તેમને પોતાની મહેનતનું વળતર મળી રહ્યું નથી.