અમદાવાદમાં વહેલી સવારે પડેલા 2 થી 3 ઈંચ વરસાદમાં આખું શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. સવારે શાળાએ જતા બાળકો, નોકરી અને ધંધા માટે નીકળેલા લાખો લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. વરસાદ બંધ થયાના ત્રણ કલાક પછી પણ અનેક વિસ્તારોમાં પાણી ઓસર્યું ન હતું અને રસ્તાઓ જળમગ્ન રહ્યા હતા.
શહેરના લગભગ તમામ મુખ્ય માર્ગો પર ઘૂંટણસમું પાણી ભરાયું હતું. અનેક લોકોનાં વાહનો પાણીમાં બંધ પડી ગયાં. પાણીમાં ચાલવાથી લોકોના કપડાં ભીના થઈ ગયા હતા. સામાન્ય દિવસોમાં 20 થી 30 મિનિટમાં પૂરી થતી મુસાફરી ટ્રાફિકજામ અને ભરાયેલા પાણીને કારણે એકાદ-બે કલાકમાં પૂરી થતી હતી. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને શાળાઓએ વાલીઓને બાળકોને લઈ જવા કહી દીધું હતું.
શહેરમાં ચારે બાજુ ભરાયેલા પાણી અંગે જ્યારે મેયરને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું, "આખા વર્લ્ડમાં પાણી ભરાય છે. રણ હોય ત્યાં વરસાદ આવે તો ત્યાં પણ પાણી ભરાય." આ નિવેદન સામે લોકોએ નારાજગી વ્યક્ત કરી છે.
જોકે, વાસ્તવિકતા એ છે કે અન્ય દેશોમાં 30 થી 40 ઈંચ જેવા અતિવૃષ્ટિ, વાદળ ફાટવા જેવી સ્થિતિમાં પાણી ભરાય છે. અમદાવાદમાં તો માત્ર 2 ઈંચ વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાઈ જાય છે. આવી દલીલથી શહેરીજનોમાં ગુસ્સો છે કે મેયર પોતાની નાકામી છુપાવવા આ પ્રકારની દલીલ કરી રહ્યા છે.
મેયરે એમ પણ કહ્યું કે દર વર્ષે AMC 1500 કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલે છે. તેમણે દાવો કર્યો કે જે લઈએ છીએ તેના 12 ગણું આપીને કામ કરીએ છીએ. ત્યારે સવાલ એ છે કે તક લેવામાં આવેલા ટેક્સના પૈસા ક્યાં જાય છે. આ વર્ષે વરસાદની ઋતુમાં શહેરમાં થયેલી કામગીરી 12 ગણી તો દૂર, 2 ગણી પણ દેખાઈ નથી આવી રહી. જો ટેક્સના પૈસાની નક્કર કામગીરી થઈ હોત તો સામાન્ય વરસાદમાં શહેરીજનોને આટલી હાલાકી વેઠવી ન પડતી.
મેયરે પાણી ભરાવાના કારણ અંગે વધુમાં જણાવ્યું કે અમદાવાદમાં 1 કરોડની વસ્તી સામે વરસાદી પાણીની લાઇન 1300 કિલોમીટરની છે, જ્યારે રસ્તા 3700 કિલોમીટરના છે અને ડ્રેનેજ 5000 કિલોમીટરની અંદર આવે છે. આ સ્થિતિ સામે વરસાદી પાણીની લાઇન ઓછી છે. તેમણે કહ્યું કે નવો ટીપી વિસ્તાર વિકસે ત્યાં 3 લાઇનો કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
નિષ્ણાતોના મતે, જો આડેધડ પ્લાન પાસ કરીને બાંધકામ પર દબાણ ન લાવવામાં આવ્યું હોત તો પાણી ભરાવાની સમસ્યા આટલી તીવ્ર ન બનતી. શહેરીજનોની માંગ છે કે AMC નક્કર ડ્રેનેજ પ્લાન બનાવે અને દરેક વરસાદમાં થતી હાલાકીનો કાયમી ઉકેલ લાવે.