અમદાવાદના અખબારનગર સોસાયટીમાં ફટાકડા ફોડવાને લઈને વિવાદ સર્જાયો છે. ગાંધીનગર રેલવે પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ કલ્પના ચુડાસમાની કારને રોકેટ ફટાકડાથી નુકસાન થયું હતું. આ ઘટનાએ સોસાયટીમાં તણાવ વધાર્યો અને પીએસઆઈ તથા રહીશો વચ્ચે બોલાચાલી થઈ હતી.
રહીશોનો આરોપ છે કે કારના નુકસાનનો ખર્ચ ચૂકવવાની તૈયારી દર્શાવવા છતાં પીએસઆઈએ સત્તાનો દુરુપયોગ કરીને ધમકી આપી અને અપશબ્દો કહ્યા. એક મહિલાએ પીએસઆઈ પર અન્ય કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે.
બીજી તરફ, પીએસઆઈ કલ્પના ચુડાસમા અને તેમની દીકરીએ વળતા આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે હિરલ પટેલ અને તેના પતિ દેવાંગ પટેલ ઝઘડો કરવા આવ્યા હતા, અપશબ્દો કહ્યા હતા અને દેવાંગ પટેલે પીએસઆઈ પર હુમલો કરીને ઈજા પહોંચાડી હતી.
સોસાયટીના સીસીટીવી ફૂટેજની તપાસ કરીને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે. હાલ વાડજ પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.